સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા જમા રકમ 2018માં આશરે છ ટકા ઘટી 6,757 કરોડ રૂપિયા રહી હતી. છેલ્લા બે દાયકામાં જમા થયેલ રકમનો આ બીજી નીચુ સ્તર છે. વર્ષ 2018માં તમામ વિદેશી ગ્રાહકો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમ ચાર ટકાથી વધુ ઘટીને 99 લાખ કરોડ રૂપિયા રહી છે. સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી) દ્વારા ગુરુવારે રજૂ કરાયેલ આંકડાથી આ માહિતી મળી છે.
બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઈએસ) ના ‘લોકેશનલ બેંકિંગ સ્ટેટિસ્ટિક્સ’ પ્રમાણે વર્ષ 2018માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય અને સ્વિસ સરકારે ગયા વર્ષે કહ્યું હતું કે લોકેશનલ બેંકિંગ સ્ટેટિસ્ટિક્સ સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા જમા રકમનો વધુ વિશ્વાસપાત્ર માપદંડ છે.
એસએનબી પ્રમાણે સ્વિસ બેંકની ‘ટોટલ દેવાદારી’ ના આંકડામાં ભારતીય ગ્રાહકોના દરેક પ્રકારના ફંડ્સનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિઓ, બેંક અને કંપનીઓ દ્વારા જમા રકમ સામેલ હોય છે.
એસએનબી દ્વારા જે આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તે સ્વિસ બેંકના સત્તાવાર આંકડા છે અને ભારતમાં સ્વિસ બેંકમાં સંગ્રહિત કાળાં નાણાંના આંકડાઓની ચર્ચા થાય છે, તેને આ અહેવાલ સૂચિત કરતો નથી.