ગુજરાત : બુલેટ ટ્રેનના ટ્રેક પર સેન્સર મુકાશે, 30 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાય તો ટ્રેન આપોઆપ રોકાઈ જશે

0
59

અમદાવાદ: અમદાવાદથી મુંબઈ વચ્ચે 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન બુલેટ ટ્રેન દોડાવશે. ગુજરાત-મહારાષ્ટ્રમાં આવતા ચક્રવાત, તોફાની પવન તેમજ ભારે વરસાદ ઉપરાંત ઉનાળામાં ઘણી વાર તાપમાન વધી જતું હોય છે. આ સ્થિતિમાં હાઈસ્પીડ બુલેટ ટ્રેનની સુરક્ષા માટે રેલવેએ વિશેષ પગલાં લીધા છે. જેમાં ટ્રેક પર ખાસ સેન્સર લગાવવામાં આવશે જેનાથી ટ્રેકનું ટેમ્પરેચર માપવામાં આવશે અને નિર્ધારિત માપદંડથી વધુ તાપમાન કે તોફાની પવન હશે તો ટ્રેન જાતે જ રોકાઈ જશે.

ભારે વરસાદ પડે તો પણનબુલેટ ટ્રેનને વાંધો આવે તેમ નથી
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારી સુષમા ગૌડે જણાવ્યું કે, બુલેટ ટ્રેન મોટા ભાગે 12થી 15 મીટરની ઊંચાઈએ વાયડક્ટ (એલિવેટેડ કોરિડોર) પર તેમજ વાપીથી મુંબઈ વચ્ચે ટનલમાં દોડશે. મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે ત્યારે ઊંચાઈ પર હોવાથી સામાન્ય રીતે બુલેટ ટ્રેનને વાંધો આવે તેમ નથી. તેમ છતાં ભારે વરસાદ થાય તે સ્થિતિમાં રેનગેજ સિસ્ટમથી પાણીનું લેવલ ચેક કરી જરૂરી પગલાં ભરી શકાશે. જેના માટે ટનલના એન્ટ્રીગેટ પર બન્ને બાજુએ મળી 6 જગ્યાએ સેન્સર લગાવાશે.

સાબરમતી ડેપોમાં લગાવેલા ઓપરેશન કંટ્રોલ સિસ્ટમમાં સેફ્ટી એલાર્મ વાગશે
એજ રીતે જ બુલેટ ટ્રેનના રૂટ પર 14 સ્થળે વાયડક્ટ પર તેમજ ગુજરાતની 8 જેટલી નદીની ઉપરના ભાગે હવાની સ્પીડ અને દિશા માપવા માટે એનેમો મીટર લગાવવામાં આવશે. જો હવાની સ્પીડ દર કલાકે 30 કિલોમીટરથી વધુ થશે ત્યારે સાબરમતી ડેપોમાં લગાવેલા ઓપરેશન કંટ્રોલ સિસ્ટમમાં સેફ્ટી એલાર્મ વાગશે. જેના પગલે કંટ્રોલ રૂમ દ્વારા ટ્રેન ઊભી રાખી દેવામાં આવશે. એજ રીતે હવાની સ્પીડ 20 કિલોમીટરથી વધુ હશે તો તેની ટ્રેનની ઝડપ અડધી કરાશે.

ટ્રેકના તાપમાન પર નજર રાખવા દર 100 કિલોમીટરના અંતરે ટ્રેક ટેમ્પરેચર સેન્સર લગાવાશે
ઉનાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમી વધી જાય છે. આ સ્થિતિમાં ટ્રેક પર મહત્તમ 320 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડશે ત્યારે ટ્રેકનું તાપમાન વધીને 50થી 65 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ટ્રેકના તાપમાન પર નજર રાખવા દર 100 કિલોમીટરના અંતરે ટ્રેક ટેમ્પરેચર સેન્સર લગાવાશે. ટ્રેકનું ટેમ્પરેચર 65 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો ટ્રેન અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રેન ઊભી રાખી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here