સુરત : તસ્કરો ત્રીજા માળેથી ક્રેઇનની મદદથી પાંચ લાખના બે ભારે મશીન ચોરી ફરાર

0
4

સુરતમાં બેફામ બનેલા તસ્કરોએ 5 લાખના ભારેખમ એમ્બ્રોયડરીના બે મશીનો ચોરી ગયો. તસ્કરોએ ચોરી માટે એવી તરકીબ અપનાવી હતી કે પોલીસ પણ દંભ રહી ગઇ હતી. વરાછામાં ધરમનગર રોડ પર શારદાવિહાર સોસાયટીમાં રહેતા જનક વિઠ્ઠલ વેકરિયા ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોયડરીનું ખાતું ચલાવે છે. જે હાલ કોરોનાના કારણે બંધ છે અને પોતે વતન છે. સોમવારે સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી ત્રીજા માળે ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દિવાલ તોડી બે મશીન ક્રેનથી કાઢીને ચોરી કરી નાસી ગયા હતા.

દરમિયાન ગતરોજ સવારે 8 વાગ્યે તેમના કારખાનાની નીચે જ કારખાનું ધરાવતા મનોજભાઈએ જનકભાઈને ફોન કરી પૂછ્યું હતું કે તમે ખાતું બદલી નાખ્યું છે કે શું? કારણ કે કારખાનાની દીવાલ તૂટેલી દેખાય છે અને અંદર મશીનો નથી. આથી જનકભાઈએ તરત જ તેમના બનેવી શૈલેષભાઇ મનસુખભાઇ હીરાણીને ફોન કરી કારખાને જઈ તપાસ કરવા કહ્યું હતું.

શૈલેષભાઇ કારખાને પહોંચ્યા તો ગ્રીલનો દરવાજો બંધ હતો અને તાળાનો નકુચો કટરથી કાપી નાખવામાં આવ્યો હતો. અંદર બંને મશીન ન હોય ચોરી થયાનું જાણવા મળતા શૈલેષભાઈએ આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસતા એક કારખાનાના સીસીટીવી કેમેરામાં મળસ્કે પાંચ વાગ્યે 7 થી 8 વ્યક્તિ બે ટેમ્પો રાખી ક્રેઈનની મદદથી બંને મશીન કારખાનામાંથી ઉતારી ટેમ્પોમાં મૂકી સાડા છ વાગ્યે ચોરી કરી લઈ જતા નજરે ચઢ્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે આ બંને મશીન ત્રીજા માળે રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ ત્રીજા માળે આવેલા ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દીવાલ તોડી બે મશીન ક્રેઇનની મદદથી નીચે ઉતારી ચોરી ગયા હતા.