ગાંધીનગર : મુખ્યમંત્રી રૂપાણીના વીડિયોગ્રાફરના ઘરમાં જ તસ્કરો ત્રાટક્યા.

0
3

હવે મુખ્યમંત્રીના કૅમેરામૅનનું ઘર પણ સલામત નથી રહ્યું. મુખ્યમંત્રી આવાસ અને સ્વર્ણિમ સંકુલમાં થતા કાર્યક્રમોમાં વીડિયોગ્રાફી કરતા માહિતી ખાતાના કૅમેરામૅન માત્ર એક રાત માટે અમદાવાદ ગયા ત્યારે આ તકનો લાભ લઈને તસ્કરોએ તેમના રૂ. 5 લાખના કૅમેરા સહિત રૂ. 5.88 લાખની મત્તા ચોરી ગયા હતા.

પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેક્ટર-29 બ્લોક નંબર-96/1 ચ ટાઇપ ખાતે રહેતા પરવેઝ કરીમભાઈ લાખવા (42 વર્ષ) માહિતી ખાતામાં ફરજ બજાવે છે. તેઓ માર્ચ-2019થી મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વીડિયોગ્રાફીની કામગીરી કરે છે. આ માટે તેમને વિભાગ તરફથી વીડિયો કૅમેરા અપાયો હતો. શનિ-રવિની 2 દિવસની રજાને પગલે પરવેઝભાઈ શાહઆલમ રહેતા સસરાના નિવાસ્થાને ગયા હતા. રવિવારે મોડી રાત્રે 10.45 વાગ્યે ઘરે પરત આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો. તેમણે અંદર જઈને તપાસ કરતાં કૅમેરા, તેની સાથેનો સામાન, સોના-ચાંદીના દાગીના, લેપટોપ સહિત રૂ. 5.88 લાખની મતા ગુમ થઈ ગયા હતા.

કેમેરા સહિત કઈ વસ્તુઓની ચોરી થઈ

 • SONI PWX Z280 મોડલનો વીડિયો કૅમેરા
 • 3 નંગ બેટરી
 • 128 GBનાં 2 મેમરી કાર્ડ
 • એડોપ્ટર
 • કાર્ડ રીડર
 • બેટરી ચાર્જર
 • એસડી કાર્ડ
 • કૅમેરા બેગ : કિંમત 5 લાખ
 • સોનાનું દોઢ તોલાનું ડોકિયું : કિંમત 60 હજાર
 • સોનાની 2 વીંટી : કિંમત 20 હજાર
 • એચપીનું જૂનું લેપટોપ: કિંમત 3 હજાર
 • રોકડા 5 હજાર