ધોનીની નિવૃત્તિની અટકળો પાયાવિહોણી છે: ચીફ સિલેક્ટર

0
0

નવી દિલ્હી,તા.12 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

ભારતીય પસંદગીકારોએ ઘરઆંગણે રમાનારી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી હતી. જે દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની નિવૃત્તિની અટકળો અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. જોકે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ખુલાસો કર્યો હતો કે, ધોની હાલ નિવૃત્તિ લઈ રહ્યો નથી. તેની નિવૃત્તિની જે અટકળો ચાલી રહી છે, તે સાવ પાયાવિહોણી છે. અમારી પાસે હાલમાં ધોનીની નિવૃત્તિ અંગે કોઈ અપડેટ નથી અને આ અંગેના અહેવાલો સાચા નથી.

છેલ્લા કેટલાક સમયથી ધોનીની નિવૃત્તિની ચર્ચા જોર પકડી રહી છે. આઇસીસી વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો , ત્યારે જ મીડિયામાં એવી ચર્ચા ચાલી હતી કે , ધોની આ વર્લ્ડ કપ પુરો થતાં જ નિવૃત્તિ જાહેર કરી દેશે. જોકે, વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ધોનીએ તેની નિવૃત્તિની જાહેરાતની રાહ જોનારાઓને પરેશાન કરતાં મૌન ધારણ કર્યું હતુ. આ પછી વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમની જાહેરાત અગાઉ જ ધોનીએ બે મહિના ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરતાં આર્મીમાં ફરજ બજાવવાનું નક્કી કર્યું હતુ. તેણે જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના જવાનોની સાથે ફરજ બજાવી હતી.

કોહલીની ટ્વીટથી ધોનીની નિવૃત્તિની અટકળ શરૂ થઈ

ભારતીય કેપ્ટન કોહલીએ સવારે કરેલી ટ્વીટથી ધોનીની નિવૃત્તિની અટકળો શરૃ થઈ હતી. કોહલીએ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની સુપર-૧૦ની મેચની તસવીર ટ્વિટર પર મૂકી હતી અને લખ્યું હતુ કે, આ મેચ હું ક્યારેય નહી ભૂલું. વિશિષ્ટ નાઈટ. આ માણસે (ધોનીએ) મને એવો દોડાવ્યો કે જાણે હું ફિટનેસ ટેસ્ટ આપી રહ્યો હોંઉ.

આ પછી ક્રિકેટના રાષ્ટ્રીય સ્તરના વિવેચકે આ ટ્વીટનો સહારો લઈને તેને ધોનીની નિવૃત્તિની સાથે સંકાળતો ઈશારો કર્યો હતો. આ પછી તો સોશિયલ મીડિયામાં ધોનીની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડયું હતુ. સોશિયલ મીડિયા પર તોફાન મચ્યું હતુ અને આખરે જ્યારે ચીફ સિલેક્ટરને પૂછવામાં આવ્યું કે, શું ધોની નિવૃત્તિ લઈ રહ્યો છે ? ત્યારે તેમણે આ અહેવાલને પાયાવિહોણો ગણાવીને નકારી કાઢ્યો હતો. નોંધપાત્ર છે કે, તે મેચમાં ભારતનો છ વિકેટથી વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here