ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પાછી ઠેલવા ચૂંટણીપંચને ભલામણ કરવા રાજ્ય સરકારની વિચારણા

0
6

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી હાલ ન યોજવા માટે ચૂંટણી પંચને ભલામણ કરવા રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે, રોજના 1000થી વધુ કેસો આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર વિચારી રહી છે કે, આ સંજોગોમાં પેટાચૂંટણી યોજવી સલાહભર્યું નથી. તેથી ચૂંટણીપંચને જયાં સુધી કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી ચૂંટણીઓ ન યોજવા માટે વિનંતિ કરી શકે છે.

આ 8 વિધાનસભા બેઠક પર 14 સપ્ટે.સુધીમાં પેટાચૂંટણી યોજવી જરૂરી
ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યએ રાજીનામા આપતા ડાંગ, કરજણ, મોરબી, લીંબડી, અબડાસા, ગઢડા, કપરાડા અને ધારી વિધાનસભા બેઠક ખાલી થઈ છે. જ્યાં નિયમ પ્રમાણે 14 સપ્ટેમ્બર સુધીમાં પેટાચૂંટણીઓ યોજવી જરૂરી છે. પરંતુ કોરોનાની સ્થિતિ જોતા ચૂંટણીપંચ આ પેટાચૂંટણીઓ અંગે વિચારણા કરીને નિર્ણય લેશે. આ મામલે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય ચૂંટણીપંચ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.

કેન્દ્રીય ચૂંટણીપંચ પણ રાજ્ય સરકારની ભલામણ મુજ રિપોર્ટ તૈયાર કરશે
કોરોનાની સ્થિતિમાં ચૂંટણીપંચની તૈયારીઓ અને કોરોના સંક્રમણ રોકવું ઘણું અઘરું થઈ શકે છે, જ્યારે મતદાન અને ચૂંટણી અંગેની વિવિધ તૈયારીઓ પણ જોખમી બનવાનો ડર છે. કેન્દ્રીય ચૂંટણીપંચ પણ રાજ્ય સરકારની ભલામણ મેળવીને એક રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રને આપશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરીને ચૂંટણીઓ છ માસ મોકૂફ રાખવાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરી શકે છે.