અમદાવાદ : રાજ્યની પ્રાથમિક શાળાના બાળકોને કાર્ટૂન અને ગેમ્સના માધ્યમથી સંસ્કાર-શિસ્તના પાઠ ભણાવાશે

0
10

અમદાવાદ. ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકોને સરકાર ઓનલાઇન કાર્ટૂન અને ગેમના માધ્યમથી સંસ્કાર અને શિસ્ત ના પાઠ ભણાવવા માટેની તૈયારી કરી રહી છે.રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફેસબુક પર એક પોસ્ટ કરી આ મામલે પ્રજાનો અભિપ્રાય માંગ્યો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે અચાનક આવી ગયેલ કોરોનાની પરિસ્થિતિને કારણે આપણને સૌને સ્પર્શતા બધા જ ક્ષેત્રો ઉપર, એ આર્થિક હોય, સામાજિક હોય,રાજકીય હોય, શૈક્ષણિક હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય, આ અસરમાંથી સંપૂર્ણપણે ક્યારે બહાર આવીશું, એ આજ દિન સુધી કોઈ કહી શકે તેમ નથી.

એવા સંજોગોમાં શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં ફિઝીકલ અને ડિજિટલ એમ બે પદ્ધતિ કોઈ જગ્યાએ વિચારણા હેઠળ છે, પરંતુ ગુજરાત સરકારે છેલ્લા ત્રણ મહિનાથી આ બંને પદ્ધતિઓના સમન્વય (મિશ્ર શિક્ષણ)ની શરૂઆત કરી છે. બહુ ટુંકા સમયમાં અણધારી સફળતા પણ મળી છે.મોટી ઉંમરના બાળકોમાં આ પદ્ધતિ વહેલી સેટ થશે તેમ લાગે છે, પરંતુ 1 થી 5 ધોરણ સુધી ઓનલાઇન કરવું, ક્યારથી કરવું, કરવું કે કેમ આ મુદ્દો ચર્ચામાં છે.

પીડિયાટ્રિશિયનથી લઈ કેળવણીકાર સહિત 22 નિષ્ણાતોના અભિપ્રાય લીધા

શિક્ષણમંત્રી આગળ લખે છે કે, આ સંજોગોમાં શિક્ષણ વિભાગે વિચાર્યું કે નવી પરિસ્થિતિમાં આ વિષય અંગે 1 થી 5 ધોરણના બાળકો વિષે જાણકાર પીડિયાટ્રિશિયન (બાળકોના ડોક્ટર), મનોવૈજ્ઞાનિક અને કેળવણીકારને પૂછવું જોઈએ કે જેઓ પોતાના ક્ષેત્રમાં વર્ષોથી કામ કરે છે. આમ સમજીને ગુજરાતના અલગ-અલગ શહેરોના 22 જેટલા, મેં જણાવ્યું તે ક્ષેત્રના મહાનુભાવો સાથે, મેં અને રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સચિવ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ડિજિટલ વાર્તાલાપ કર્યો અને અભિપ્રાયો મેળવ્યા. જેનું કમ્પાઇલેશન ચાલી રહ્યું છે.

અર્થપૂર્ણ ગેમ્સ અને કાર્ટૂન બનાવવા સૌ સંમત થયા

ચુડસામાએ પોતાની વાત પુરી કરતા લખ્યું કે, મેં ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે ઘર ઘરની ચિંતાનો વિષય છે કે બાળક સવારથી સાંજ સુધી ફોન, ટેબ્લેટ કે લેપટોપ પર કલાકો સુધી કાર્ટૂન જોયા કરે અને ગેમ રમ્યા કરે છે, જે સંસ્કાર, શિસ્ત કે ધર્મ પાલનના સંસ્કાર આપતા નથી. એના વિકલ્પ તરીકે મેં જણાવ્યું કે આપણે હાલના કાર્ટૂનના વિકલ્પે એવું કાર્ટૂન બનાવીએ કે જે અર્થપૂર્ણ હોય. ગેમ્સ પણ અર્થપૂર્ણ હોય અને અત્યારે જે જુએ છે એના કરતાં એને વધારે ગમે એવા કાર્ટૂન અને ગેમ બનાવવી જોઈએ. મારી આ વાત સાથે સૌ સંમત થયા. આપ સૌ મારી સાથે જોડાયેલા છો. મારી સાથે જોડાયેલા આપ સૌને મારી વિનંતિ અને અનુરોધ છે કે આ મુદ્દે આપ સૌ આપનો મંતવ્ય જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here