ભારત-ચીન સરહદેથી સૈન્યના શૌર્યની ગાથા : કર્નલ રણબીર સિંહ જમવાલ : 18 હજાર ફૂટની ઊંચાઇએ ભારતીય સૈન્યને બ્લેક ટોપ, ગુરંગ ટોપ સુધી પહોંચાડી ચીનને માત આપી

0
4

કર્નલ રણબીર સિંહ જમવાલ. 3 વખત એવરેસ્ટ સર કરી ચૂક્યા છે અને વિશ્વના 7 સૌથી ઊંચા શિખર સર કરી ચૂકેલા એકમાત્ર ભારતીય છે. આજે તેમનો ઉલ્લેખ એટલા માટે કે તેમણે જ ગયા મહિને ભારતીય સૈન્યને પેન્ગોન્ગ વિસ્તારના તે શિખરો સુધી પહોંચાડ્યું કે જેના કારણે ચીન સ્તબ્ધ છે. બ્લેક ટોપ, હેલમેટ ટોપ, ગુરંગ હિલ, મુકાબારી હિલ, મગર હિલ પર સ્ટ્રેટેજિક પોઝિશન લેવા માટે સૈન્યએ તેમને ડિપ્લોય કર્યા હતા. 18 હજાર ફૂટની ઊંચાઇવાળા આ વિસ્તારો સુધી પહોંચવું એક મોટો પડકાર હતો. આ એવો વિસ્તાર છે કે જ્યાં ઓક્સીજન ઓછો છે, સીધું ચઢાણ અને સામે દુશ્મન. આ જ કારણથી દેશ-દુનિયાના બેસ્ટ માઉન્ટેનિયર્સમાં સ્થાન ધરાવતા કર્નલ જમવાલને આ મહત્ત્વપૂર્ણ મિશન માટે પસંદ કરાયા.

તેમને ફેબ્રુઆરીમાં જ લેહ પોસ્ટિંગ આપી દેવાયું હતું. તેઓ સ્પેશિયલ ફોર્સ એટલે કે ટૂટૂ રેજિમેન્ટના જવાનો સાથે આ મુશ્કેલ ચઢાણની સતત તૈયારી કરી રહ્યા હતા. ફેબ્રુઆરીથી જ આ તૈયારી ચાલી રહી હતી. ગયા મહિને આ મિશનને અંજામ અપાયો. કર્નલ જમવાલ તેમની ટીમ સાથે ઉપર પહોંચ્યા તો ખૂબ વધારે ઠંડી હતી. તાપમાન રાત્રે માઇનસ 10-15 ડિગ્રી સે. સુધી પહોંચી જતું. આ મિશન એટલા માટે પણ પડકારજનક હતું કે તે જગ્યા સુધી આપણા ગણ્યાગાંઠ્યા સૈનિકો જ પહોંચી શક્યા છે. આ જ કારણથી કર્નલ જમવાલને અને તેમની ટીમને 1-2 કલાકની જ ઊંઘ મળે છે અને 20-20 કલાકની ડ્યુટી કરવી પડે છે. આ વિસ્તારોમાં સૈન્ય 24 કલાક સતર્ક રહે છે, કેમ કે સામે ચીન છે, જે કોઇ પણ હરકત કરી શકે છે. 29-30 ઓગસ્ટની રાત્રે આ સતર્કતાના કારણે જ ભારતીય સૈન્ય ચીનનો મુકાબલો કરી શક્યું, જેનો શ્રેય પણ કર્નલ જમવાલને જાય છે. આ વિસ્તારના પડકારનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ત્યાં સૈન્ય પાસે પીવાનું પાણી પણ નથી. પોર્ટર દ્વારા પાણી તથા અન્ય સામાન માંડ પહોંચાડવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સૈન્યએ પેન્ગોન્ગ વિસ્તારમાં સ્પાંગુર ગેપ, રીજુંગ પાસ, રેકિંગ પાસમાં પોતાની પોઝિશન મજબૂત કરી છે, જેના કારણે લદાખના આ વિસ્તારમાં આપણે હવે ચીનની દરેક હરકત પર નજર રાખી શકીશું. એટલું જ નહીં, ચીનના મહત્ત્વના મિલિટરી કેમ્પ પણ હવે આપણી ફાયરિંગ રેન્જમાં છે. કર્નલ જમવાલ જવાન તરીકે સૈન્યની જાટ રેજિમેન્ટમાં ભરતી થયા હતા. તે પહેલાં તેઓ દિલ્હીમાં આર્મીના એડવેન્ચર નોડમાં હતા. તેઓ કાશ્મીરમાં સૈન્યની હાઇ ઓલ્ટીટ્યૂડ વોરફેર સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર રહી ચૂક્યા છે. સિયાચીન અને લદાખના મહત્ત્વના વિસ્તારોમાં પોસ્ટિંગ પહેલાં સૈનિકોને આ સ્કૂલમાં જ ટ્રેનિંગ અપાય છે. જમ્મુના રહેવાસી જમવાલને 2013માં તેનજિંગ નોરગે એવોર્ડ મળી ચૂક્યો છે, જે પર્વતારોહકોનું સૌથી મોટું સન્માન છે. તેમના પિતા પણ સૈન્યમાં હતા.

નેપાળમાં ભૂકંપ વખતે એવરેસ્ટ બેઝ કેમ્પ પર હતા, ઘણાંના જીવ બચાવ્યા હતા

એપ્રિલ, 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે જમવાલ તેમની ટીમ સાથે એવરેસ્ટ બેઝ કેમ્પમાં હતા. તે ભૂકંપમાં બેઝ કેમ્પ પરના 22 પર્વતારોહકો અને શેરપાના મોત થયા હતા. જોકે, કર્નલ જમવાલની ટીમ સુરક્ષિત રહી અને બાદમાં તેમણે ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઘણા લોકોનો જીવ બચાવ્યો. 2009માં ઉત્તરાખંડના માઉન્ટ માના પર ચઢાણ વખતે ફ્રોસ્ટ બાઇટના કારણે કર્નલ જમવાલ એક આંગળી ગુમાવી ચૂક્યા છે. તે વખતે તેઓ બરફના તોફાનમાં 23 હજાર ફૂટની ઊંચાઇ પર 7 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. તેમણે પર્વતારોહકો માટે જે દોરડા લગાવ્યા હતા તે બરફમાં દબાઇ ગયા હતા. તેઓ 2011માં ભારતીય સૈન્યની વિમેન ક્લાઇમ્બર્સની ટીમના લીડર પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here