ક્રિકેટ : યુવરાજ સિંહ : ગાંગુલીની કપ્તાનીમાં મને જે સપોર્ટ મળ્યો, તેટલો ધોની અને કોહલીએ ક્યારેય નહોતો આપ્યો

0
7

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એમએસ ધોની અને વિરાટ કોહલીને લઈને એક ખાસ ખુલાસો કર્યો છે. યુવરાજે સ્પોર્ટ્સસ્ટારને કહ્યું કે, “સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં મને ઘણું સમર્થન મળ્યું હતું. ધોની અને કોહલી હેઠળ તેવો સપોર્ટ મળ્યો નહોતો.” યુવરાજે ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે 2007ના T-20 અને 2011ના વનડે વર્લ્ડકપમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. બંને વખતે ધોની ભારતીય ટીમનો કેપ્ટન હતો.

યુવરાજે કહ્યું, “હું સૌરવ ગાંગુલી સાથે ક્રિકેટ રમ્યો છું. તેમની કપ્તાનીમાં મને બહુ સપોર્ટ મળ્યો છે. તે પછી માહીને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું ઘણું અઘરું હતું. મારી વધારે યાદો સૌરવ સાથે જોડાયેલી છે, કારણકે તેમણે મને વધુ સપોર્ટ કર્યો હતો. આ પ્રકારનું સમર્થન મને માહી અને કોહલી પાસેથી મળ્યું નહોતું.” વર્તમાન ટીમ અંગે વાત કરતા યુવીએ કહ્યું કે, ભારતીય ટીમને એક સારા વ્યક્તિની જરૂર છે. જે મેદાનની બહાર બધા મામલે વાત કરી શકે, કારણકે આ બધી વાતોની ખેલાડીઓના પ્રદર્શન પર અસર પડે છે.

આજે કોઈ ખેલાડી જૂનિયરને સાચો વ્યવહાર નથી શીખવાડતો

યુવરાજે કરિયર અંગે કહ્યું કે, મેં 2000માં ડેબ્યુ કર્યું હતું. તે સમયે IPL નહોતી. હું મારા આદર્શ ખેલાડીઓને માત્ર ટીવી પર રમતા જોતો હતો. તે પછી ટીમમાં ચયન થતા સીધી તેમની સાથે બેસવાની તક મળી.  તે બધા માટે મારા મનમાં બહુ માન છે. તેમના પાસેથી હું મીડિયા સાથે કઈ રીતે વાત કરાઈ તે શીખ્યો હતો. આજે ભાગ્યે જ કોઈ સીનિયર ખેલાડી જૂનિયરને આ બધી બાબતે ગાઈડ કરે છે.

બિમારી વિશે સાચી જાણકારી હોવી જરૂરી

કોરોનાવાઇરસ અને લોકડાઉન અંગે યુવીએ કહ્યું કે, લોકડાઉનના ફાયદા અને નુકસાન બંને છે. આજે કોરોનાના કારણે દુનિયાભરમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ જોવું બહુ દુખદ છે. મને જ્યારે કેન્સર વિશે ખબર પડી ત્યારે હું ડરી ગયો હતો. સાચી જાણકારી મેળવ્યા બાદ ડર ઓછો થયો હતો અને હું સમયે સાચા હોસ્પિટલ અને સાચા ડોકટર પાસે ગયો હતો. તેથી જ બિમારી વિશે સાચી જાણકારી હોવી બહુ જરૂરી છે.

યુવરાજે ગાંગુલીની કપ્તાનીમાં 110 વનડેમાં 2640 રન કર્યા

યુવીએ 2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે ગાંગુલી ટીમનો કપ્તાન હતો. તે પછી યુવી રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ધોની અને કોહલીની કપ્તાનીમાં પણ રમ્યો હતો. યુવીએ 40 ટેસ્ટમાં 1900, 304 વનડેમાં 8701 અને 58 T-20માં 1177 રન બનાવ્યા છે. તેણે ગાંગુલી હેઠળ 110 વનડેમાં 2640 રન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here