સુનાવણી : તબલીગી જમાતના મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું- અત્યારે બોલવાની આઝાદીનો સૌથી વધુ દુરુપયોગ

0
0

સુપ્રીમકોર્ટે કોરોનાકાળમાં તબલીગી જમાતની છબિ ખરાબ કરવાના કેસ સાથે જોડાયેલી અરજીની સુનાવણીમાં યોગ્ય એફિડેવિટ દાખલ નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને બી. સુબ્રમણ્યમની પીઠે કહ્યું કે આજકાલ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનો સૌથી વધારે દુરુપયોગ થઈ રહ્યો છે. આ દરમિયાન કોર્ટે જુનિયર અધિકારી દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ મુદ્દે પણ સોલિસિટર જનરલ તુષાર મહેતા સમક્ષ નારાજગી દર્શાવી. કોર્ટે કહ્યું કે આ એફિડેવિટ બિનજરૂરી અને અર્થહીન છે. આ એફિડેવિટમાં કેટલીક ટીવી ચેનલો પર અરજદારોએ લગાવેલા આરોપો મુદ્દે પણ કોઈ પ્રતિક્રિયા નથી અપાઈ, જે નફરત ફેલાવી રહ્યા છે. એફિડેવિટ ફરી દાખલ કરો અને હવે આગામી સુનાવણી બે અઠવાડિયાં પછી થશે.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલ દુષ્યંત દવેએ કેન્દ્ર સરકાર દ્વારા એશિયાનેટ ટીવીને થોડા દિવસ બંધ કરવાની વાત કરી. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, આવું એટલે થયું કારણ કે સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ એ નથી કે આ કાર્યવાહી યોગ્ય છે. કેબલ ટીવી નેટવર્ક એક્ટ ફક્ત નેટવર્કને કવર કરે છે. ત્યારે દુષ્યંત દવેએ કહ્યું કે આ કાયદો ટીવી કોમ્યુનિકેશનને પણ કવર કરે છે. બાદમાં કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું કે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ નવી એફિડેવિટ દાખલ કરે. કોર્ટે મંત્રાલયના સચિવને આ પ્રકારના કેસમાં મોટિવેટેડ રિપોર્ટિંગ રોકવા માટે અગાઉ શું પગલાં લેવાયાં હતાં તેની વિસ્તૃત માહિતી આપવાનો નિર્દેશ કર્યો હતો.

કેન્દ્ર, દિલ્હી, ગુજરાત સરકારે પણ કોરોના ફેલાવવામાં જમાતને જવાબદાર ગણાવ્યા હતા

કોરોના રોગચાળો ફેલાવા માટે માર્ચ મહિનામાં દિલ્હીમાં તબલીગી જમાતનો કાર્યક્રમ યોજાયો હતો તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ માટે 36 દેશોના 956 વિદેશી નાગરિકો સામે અત્યાર સુધીમાં 59 જેટલી ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે પણ જમાતને જવાબદાર ઠેરવીને કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વિદેશી નાગરિકોના વિઝા રદ કરી તેમને બ્લેકલિસ્ટ કરી દીધા હતા. દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતમાંથી પણ ઘણા લોકો ગયા હતા. તે લોકો ગુજરાતમાં પરત આવતા અહીં પણ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયો હતો. પરિણામે કેન્દ્ર, દિલ્હી અને ગુજરાત સરકારે રોગચાળાની તીવ્રતામાં વધારા માટે તબલીગી જમાતને જવાબદાર ઠેરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here