કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પર હવે લટકતી તલવાર, કોંગ્રેસના પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ મળવી મુશ્કેલ

0
4

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ C.R. પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રદેશ ભાજપમાં અનેક પરિવર્તન આવે તેવી શક્યતાઓ છે, ખાસ કરીને વર્ષોથી ભાજપમાં હાંસિયામાં જતા રહેલા કાર્યકરોને યોગ્ય સ્થાન મળી શકે છે. જ્યારે ભાજપમાં આવતા કૉંગ્રેસના નેતાઓ માટે દરવાજા બંધ કરી દીધા હોવાના અણસાર તેમણે આપ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં કૉંગ્રેસના નેતાઓને જે સમજાવટ સાથે ભાજપમાં લાવવામાં આવ્યા હતા, તેમાં મોટી મુશ્કેલી પડી શકે તેમ છે.

ભાજપમાં આવેલા કૉંગ્રેસના આગેવાનોનું ભાવિ પણ ધૂંધળું બને તેવી શક્યતાઓ

ગુજરાત ભાજપમાં છેલ્લા 5 વર્ષથી કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોને સમાવવાનો એક સિલસિલો સતત ચાલુ રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ C.R. પાટીલે ભાજપની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે અને કૉંગ્રેસ નહીં ભાજપના બળે જ ચૂંટણીઓ જીતવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ સંજોગોમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને અનેક હોદ્દાઓમાં પર બેસી ગયેલા કૉંગ્રેસના આગેવાનોનું ભવિષ્ય પણ ધૂંધળું બને તેવી શક્યતાઓ છે. કૉંગ્રેસના આગેવાનોને ભાજપમાં સ્થાન આપવાના બદલે ભાજપના જ વર્ષોથી કામ કરતા કાર્યકરોને અનેક હોદ્દા પર સ્થાન આપવા માટે નવા પ્રદેશ પ્રમુખે મન બનાવી લીધું હોય તેમ જણાય રહ્યું છે.

હવે ભાજપમાં કૉંગ્રેસના નેતાઓ માટે દરવાજા બંધનો અણસાર આપ્યો

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ C.R.પાટીલે આગામી ચૂંટણીઓ ભાજપના બળે જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો જે આગામી દિવસોમાં ગુજરાત ભાજપમાં આવેલા કૉંગ્રેસના નેતાઓ માટે ભયજનક બની શકે છે. ખાસ કરીને પાટીલની નિમણૂક પહેલા ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના ધારાસભ્યોને ફરીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવી પણ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને આગામી દિવસોમાં યોજાનારી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવી ચૂકેલા ધારાસભ્યોને ટિકિટ તો ઠીક પણ સંગઠન કે સરકારમાં કોઇ બીજું સ્થાન મળશે કે કેમ તેની સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

રાતોરાત ભાજપમાં પ્રવેશી મંત્રીપદ સુધી પહોંચેલા કૉંગ્રેસના નેતાઓ માટે મુશ્કેલી

ઉપરાંત રાતોરાત ભાજપમાં પ્રવેશ મેળવીને સીધા જ મંત્રીપદ સુધી પહોંચી ગયેલા અથવા તો પછી ભાજપમાં અન્ય હોદ્દા અને સ્થાન મેળવનાર કૉંગ્રેસના નેતાઓ માટે પણ આગામી દિવસોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, જ્યારે વર્ષોથી ભાજપમાં કામ કરતા અને છેલ્લા કેટલાક વર્ષોથી હાંસિયામાં ધકેલી દેવાયેલા આગેવાનોને યોગ્ય સ્થાન અને કામ આપવામાં આવે તેવી શક્યતા છે.