અઠંગ વાહનચોર જેલમાંથી છૂટયાના છ દિવસ બાદ કમાટીબાગ પાસેથી રિક્ષાની ચોરી કરતાં ફરી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.લાલબાગ બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષા સાથે મહેબૂબખાન આદમખાન પઠાણ(સુલતાનીયા જિમખાના,કોઝ વે પાસેની વસાહતમાં,રાંદેર,સુરત)ને ઝડપી પાડયો હતો.
રિક્ષાના કાગળો માંગતા મહેબૂબખાને ગલ્લાતલ્લા કરવા માંડયા હતા.જેથી પોલીસે રિક્ષા નંબરને આધારે તપાસ કરતાં ત્રણ દિવસ પહેલાં આ રિક્ષા કમાટીબાગ પાસેથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.મહેબૂબખાન તાજેતરમાં જ રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક વાહનચોરીના ગુનામાં પકડાયો હતો અને છ દિવસ પહેલાં જ તે છૂટયો હતો.૧૬ થી વધુ વાહનચોરીના ગુનાઓમાં પકડાયેલા આરોપીએ રાવપુરાના ગુનામાં જેલમાંથી બહાર આવતાં જ ફરીથી રિક્ષા ચોરી કરી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.