Home દેશ નકલી TRP કેસ : ધરપકડ કરાયેલા ત્રણ આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ રિપબ્લિક ટીવીનું...

નકલી TRP કેસ : ધરપકડ કરાયેલા ત્રણ આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ રિપબ્લિક ટીવીનું નામ લીધું, કહ્યું- તેઓ વ્યૂઅરશિપ વધારવાના ખેલમાં સામેલ હતા

0
5

નકલી TRP કેસમાં ધરપકડ કરવામાં આવેલા 5 લોકોમાંથી ત્રણે મેજિસ્ટ્રેટ સમક્ષ રિપબ્લિક ટીવીના અધિકારીઓનાં નામ આપ્યાં છે. તેમણે કહ્યું છે કે આ લોકો વ્યૂઅરશિપ વધારવાના ખેલમાં સામેલ છે. ત્રણે આરોપીએ પોતાને એક રેકેટનો હિસ્સો ગણાવ્યો અને કહ્યું કે નક્કી કરેલી ચેનલને જોવાના બદલામાં લોકોને પૈસા આપવામાં આવતા હતા. એક અંગ્રેજી ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે આ વાત જણાવી છે. તેમણે કહ્યું હતું કે ત્રણે આરોપીને કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું હતું કે એક અન્ય સાક્ષીએ બોક્સ સિનેમાની વિરુદ્ધ નિવેદન આપ્યું. જે ત્રણ આરોપીએ નિવેદન આપ્યું છે એમાં એક હંસા રિસર્ચનો કર્મચારી પણ છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે નિવેદન સીઆરપીસીના સેક્શન 164 અંતર્ગત નોંધવામાં આવી રહ્યાં છે, તેમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પૂછપરછ થાય છે.

રિપબ્લિકના બે મોટા અધિકારીની પૂછપરછ થઈ

આ પહેલાં ગુરુવારે આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાજેએ રિપબ્લિક ટીવીના સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર અભિષેક કપૂરની ત્રણ કલાક પૂછપરછ કરી. બુધવારે ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર નિરંજન નારાયણ સ્વામીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે અર્નબની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અર્નબ અને રિપબ્લિક ટીવી તરફથી દાખલ અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો અને તેમને હાઈકોર્ટમાં અપીલ કરવા કહ્યું. અરજીમાં પોલીસના સમન્સ પર સ્ટે લગાવવાની માગણી કરવામાં આવી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે આપણે હાઈ કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ. હાઈ કોર્ટની દખલ વગર થયેલી સુનાવણી એક ખોટો સંદેશ આપે છે.

કઈ રીતે ચાલી રહ્યો હતો TRPનો ખેલ ?

ગત ગુરુંવારે પરમબીર સિંહે પ્રેસ-કોન્ફરન્સમાં TRPમાં છેતરપિંડીનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તપાસમાં એવાં ઘર મળ્યાં છે, જ્યાં TRP મીટર લગાવીને સમગ્ર દિવસ એક જ ચેનલ ચલાવવામાં આવતી હતી, જેથી તેની TRP વધે. તેની અવેજમાં મકાનમાલિક કે ચેનલ ચલાવનારને એક દિવસના 500 રૂપિયા આપવામાં આવતા હતા. ઘણાં ઘર તો એવાં હતાં, જે ઘણા દિવસોથી બંધ હતાં, ત્યાં પણ ટીવી ચલાવવામાં આવી રહ્યા હતા. મુંબઈમાં પીપલમીટર લગાવવાનું કામ હંસા એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના કેટલાક લોકોએ ચેનલની સાથે મળીને આ ખેલ કર્યો હતો.

Live Scores Powered by Cn24news