વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 45 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1998 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 52 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1355 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 593 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 124 દર્દી ઓક્સિજન ઉપર અને 40 દર્દી વેન્ટીલેટર ઉપર છે.
વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે 3 દર્દીના મોત થયા છે. જેમાં 2 દર્દીના ગોત્રી હોસ્પિટલ અને અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.
વડોદરાના આ વિસ્તારોમાં આજે પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે ન્યુ VIP રોડ, આજવ રોડ, સોમા તળાવ, ફતેગંજ, ફતેપુર, માંજલપુર, હરણી રોડ, નવાયાર્ડ. વાડી, કારેલીબાગ, ઓલ્ડ પાદરા રોડ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વારસીયા અને હાથખાના વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, બીલ રોડ, સાવલી, ફર્ટીલાઇઝરનગર અને નંદેસરીમાં કોરોનાના કેસો નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 10 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો વિસ્ફોટ યથાવત છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યા 171 પર પહોંચી છે. ભરૂચ શહેરમાં 5, જંબુસરમાં 3, અંકલેશ્વરના નવી દિવીમાં 1 અને આમોદમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે તેઓના સંપર્કમાં આવેલા અનેક નેતા અને કાર્યકરોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન વડોદરાના કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.