ટ્રમ્પ પ્રશાસને વિવાદિત નિર્ણય બદલ્યો : વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય ટ્રમ્પ પ્રશાસને પરત લીધો, કોર્ટમાં સુનાવણી દરમિયાન આ આદેશની માહિતી આપી

0
7

ન્યૂયોર્ક. અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન હાંસલ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના નિર્ણયને ટ્રમ્પ પ્રશાસને પરત લીધો છે. આ માહિતી મંગળવારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી મોટી સંખ્યામાં અમેરિકામા અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસને ગત સપ્તાહ આદેશ કર્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને વિવિધ યુનિવર્સિટીઓમાંથી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે તેઓએ પોતોના દેશ પરત જવું પડશે. આવા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયના વિરૂદ્ધ જૉન હૉપ્કિન્સ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, મેસાચ્યુસેટ્સ ઈન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)એ ગત બુધવારે કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી માહિતી 

અમેરિકાની એક કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયના ટ્રમ્પ પ્રશાસને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં કહ્યું કે, સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે. સાથે જ આ મામલે ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલીક બંધ કરવા પણ સહમતી આપી છે.

ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો

હાર્વર્ડના પ્રેસિડેન્ટ લોરેન્સ એસ બૈકૉએ યુનિવર્સિટી કમ્યુનિટીને મેસેજ આપ્યો હતો કે, ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઇ પૂર્વ સૂચના વિના આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે કોલેજો અને યુનિવર્સિટીઓ પર ક્લાસરૂમ શરૂ કરાવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રશાસનને વિદ્યાર્થીઓ, ઇન્સ્ટ્રક્ટર અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની કોઇ ચિંતા નથી.

10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર અસર પડવાની હતી

2018-19માં અમેરિકામાં કુલ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે. અમેરિકી યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓ કમાણીનું મોટું માધ્યમ છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી અમેરિકીઓ કરતાં વધારે ટ્યૂશન ફી વસૂલે છે. 2019માં અમેરિકાની કોલેજોમાં 5.5% વિદેશી વિદ્યાર્થી હતા. તેમણે 3.07 લાખ કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવ્યા. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે. 2019માં આશરે 3.70 લાખ વિદ્યાર્થીઓ ચીનના હતા. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધુ હતી.  ત્યારપછી સાઉથ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here