સૌરાષ્ટ્ર પેટાચૂંટણી : મોરબીમાં 41.67 ટકા, ધારીમાં 33.07 ટકા અને ગઢડામાં 38.05 ટકા મતદાન.

0
3
  • ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા
  • ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં કરી શકે, બંને ઉમેદવાર આયાતી
  • મોરબી માળિયામાં 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી
  • મોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજાર મતથી જીતશે- મોહન કુંડારિયા
  • ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા હતા
  • મોરબી-માળિયા બેઠક પર 20 જેટલાં EVM ખોટવાતાં તાત્કાલિક બદલવામાં આવ્યાં

સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યું હતું. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપતરફી મતદાન કરવા પ્રચાર પ્રસાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આક્ષેપ સાથે કોંગ્રેસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

બીજી તરફ, ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા છે. ધારીમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાનાં પત્ની પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલાં જોવા મળ્યાં હતાં. જો કે બાદમાં તરત જ માસ્ક બદલાવી નાખ્યું હતું. ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી છે, આથી ટેક્નિકલ સ્ટાફ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી-માળિયા બેઠક પર 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી છે. તમામ જગ્યાએ EVM બદલાવી મતદાન ચાલુ કરવામાં આવ્યું છે. મોરબીના ન્યૂ નવલખીમાં મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રની પેટાચૂંટણીમાં અત્યારસુધીમાં થયેલા મતદાનની ટકાવારી 
બેઠક ટકા
મોરબી 41.67
ગઢડા 38.05
ધારી 33.07

 

ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન

ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન થઈ રહ્યું છે. પહેલી બે કલાકમાં માત્ર 6.27 ટકા મતદાન નોંધાયું છે. જેને લઈને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારી અપેક્ષા મુજબ જ મતદાન થઈ રહ્યું છે. ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે.

મોરબીમાં મહિલા સંચાલિત પોલીંગ બુથ
(મોરબીમાં મહિલા સંચાલિત પોલીંગ બુથ)

 

મોરબીમાં મહિલા સંચાલિત પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ અપાયું

મોરબીમાં 5 મહિલા સખી બુથ બનાવવામાં આવ્યાં છે. જેમાં ઓફિસરથી લઈને પ્યૂન સુધીનો સ્ટાફ મહિલાઓ જ છે. મતદારોને આકર્ષવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. આ પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ આપવામાં આવ્યું છે. પોલીંગ બુથનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.

બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યુ હતું. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી છે. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું હતું કે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ જશે. દસ હજારથી વધુની લીડથી ભાજપના ઉમેદવાર જીતશે.

ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યુ
(ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યુ)

 

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કર્યુ

ધારીમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાએ ચલાલાની પરા શાળામાં અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. જે.વી. કાકડીયાએ મતદાન કરવા જતા પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં સુરેશ કોટડિયાના પત્ની ભારતીબેન પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં સુરેશ કોટડિયાના પત્નીએ માસ્ક બદલાવી નાખ્યું હતું.

મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યુ
(મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મતદાન કર્યુ)

 

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ છે. જયંતિ પટેલે પત્ની અને સંતાનો સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું.

મોરબીમાં દરેક મતદારોનું થર્મલ ગનથી ચેકિંગ
(મોરબીમાં દરેક મતદારોનું થર્મલ ગનથી ચેકિંગ)

 

મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે

દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મતદારને કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગ્યે મતદાન કરવાનું રહેશે. પોલીંગ બૂથના સ્ટાફે PPE કીટ પહેરી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેથી મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાના મત આપી શકશે.

મતદાન મથક પર સેનિટાઈઝની વ્યવસ્થા
(મતદાન મથક પર સેનિટાઈઝની વ્યવસ્થા)

 

ધારીમાં બંને પક્ષના ઉમેદવારે સુરતથી મતદારો ઉતાર્યા

ધારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારે સુરત અને અમદાવાદથી મતદારો ઉતાર્યા છે. વહેલી સવારે ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારવામાં આવી હતી. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતા વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી બેઠક પર 337 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ગઢડા બેઠક પર વધારે મતદાન થાય તે માટે સુરતથી ભાજપ દ્વારા મોકલવામાં આવેલી 100 અને કોંગ્રેસની 30 બસો આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here