IND vs AUS : બંને ટીમો 21 મહિના પછી ઓસ્ટ્રેલિયામાં ટકરાશે : ભારત પાસે યજમાન સામે સતત ત્રીજી વનડે જીતવાની તક.

0
11

કોરોના વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા શુક્રવારે સિડનીમાં 3 વનડે સીરિઝની પહેલી મેચ રમાશે. બંને ટીમો 21 મહિના પછી ઓસ્ટ્રેલિયામાં આમને-સામને થશે. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે છેલ્લો મુકાબલો 15 જાન્યુઆરી 2019ના રોજ થયો હતો. એડિલેડમાં રમાયેલી આ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.

બંને વચ્ચે રમાયેલી છેલ્લી બંને મેચ ભારતે જીતી. ઓસ્ટ્રેલિયા આ વર્ષે જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવી હતી. ત્યારે 3 વનડેની સીરિઝની અંતિમ 2 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપીને સીરિઝ પોતાના નામે કરી હતી. તેવામાં ટીમ ઇન્ડિયા પાસે ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી મેચ જીતવાની તક છે.

ગઈ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતે જીતી હતી સીરિઝ

ગઈ વખતે ભારતીય ટીમે જાન્યુઆરી 2019માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 3 વનડેની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. પ્રથમ વનડે હાર્યા પછી ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની કપ્તાનીમાં શ્રેણી જીતી હતી. ત્યારે પણ આરોન ફિન્ચ જ ઓસ્ટ્રેલિયાનો કપ્તાન હતો. આ વખતે પણ બંને ટીમો વચ્ચે 3 વનડેની જ સીરિઝ રમાશે. તેવામાં કોહલીની ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી વનડે જીતવાની તક છે.

રોહિતની કમી પડશે

ટીમ ઇન્ડિયાને ઓપનર રોહિત શર્માની કમી પડશે. હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે રોહિત વનડે અને T-20 ટીમનો ભાગ નહોતો. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 40 મેચોમાં 2208 રન બનાવ્યા છે. તેમાં 8 સેન્ચુરી અને 8 ફિફટીનો સમાવેશ થાય છે. તેવામાં ટીમને તેની કમી પડશે.

કોહલી-ધવન પર રહેશે મદાર

રોહિત વિના ટીમની બેટિંગનો મદાર શિખર ધવન અને કપ્તાન વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 1900+ ધવને 1100+ રન બનાવ્યા છે. તે સિવાય શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનો પર પણ મિડલ ઓર્ડરમાં રન બનાવવાની જવાબદાર રહેશે.

ધવન સાથે બીજા ઓપનર તરીકે મયંક રમે તેવી સંભાવના વધારે

ધવન સાથે બીજા ઓપનર તરીકે ટીમ પાસે બે વિકલ્પ છે. મયંક અગ્રવાલ અને શુભમન ગિલ વચ્ચે આ સ્થાન મેળવવા માટે રેસ છે. જ્યારે ટીમ પાસે લોકેશ રાહુલના રૂપમાં ત્રીજો વિકલ્પ પણ છે, પરંતુ ટીમ તેની પાસે વિકેટકીપિંગની સાથે મિડલ ઓર્ડરમાં બેટિંગ પણ કરાવવા માગે છે.

બુમરાહ-શમી પર બોલિંગની જવાબદારી

બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પર રહેશે. બંનેનું IPLમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમના સિવાય સ્પિન બોલર્સમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ પોતાના સ્પિનથી કાંગારુંની પરીક્ષા લેશે.

વોર્નર-સ્મિથની વાપસીથી ઓસ્ટ્રેલિયા મજબૂત

ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસીથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત થઇ છે. આરોન ફિન્ચ અને માર્કસ સ્ટોઈનિસ પણ ભારતીય બોલર્સને હેરાન કરી શકે છે. માર્નસ લબુશેન માટે પણ ટીમ ઇન્ડિયાએ ખાસ રણનીતિ બનાવવી પડશે.

સ્ટાર્ક-હેઝલવુડ પર બોલિંગની જવાબદારી

ઓસ્ટ્રેલિયન બોલિંગ એટેકમાં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા ફાસ્ટ બોલર્સ ટીમ ઇન્ડિયાને અઘરા પ્રશ્નો પૂછશે. હોમ કન્ડિશનમાં ઓસ્ટ્રેલિયન બોલર્સ વધુ ખતરનાક સાબિત થશે. તેમના સિવાય એડમ ઝામ્પા મિડલ ઓવર્સમાં લેગ-સ્પિનથી ભારતીયોને પડકારશે.

વેધર અને પિચ રિપોર્ટ

સિડનીમાં શુક્રવારે વરસાદની કોઈ સંભાવના નથી. મેક્સિમમ ડિગ્રી 24 અને મિનિમમ ડિગ્રી 18 સેલ્સિયસ રહેશે. પિચથી બેટ્સમેનોને મદદ મળી શકે છે. સ્પિનર્સ પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 56.05% છે.

સિડની સ્ટેડિયમનો રેકોર્ડ

  • કુલ વનડે: 157
  • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 88
  • બીજી બેટિંગ કરનાર ટીમ જીતી: 62
  • ફર્સ્ટ ઇનિંગ્સનો એવરેજ સ્કોર: 222
  • બીજી ઇનિંગ્સનો એવરેજ સ્કોર: 187

હેડ-ટુ-હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 140 વનડે રમાઈ છે. તેમાંથી ટીમ ઇન્ડિયા 52 જીતી અને 78 હારી, જ્યારે 10 મુકાબલામાં રિઝલ્ટ આવ્યું નહોતું. ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે ભારત 51 વનડે રમ્યું, જેમાંથી 13 જીત્યું અને 36 હાર્યું છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી.

ભારતીય વનડે ટીમ:

બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ અને સંજુ સેમસન (વિકેટકીપર).
ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા.
બોલર્સ: યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયા વનડે ટીમ

બેટ્સમેન: આરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ (વિકેટકીપર).
ઓલરાઉન્ડર: માર્નસ લબુશેન, મોઇઝિસ હેનરિક, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન.
બોલર્સ: પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ અને એડમ ઝામ્પા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here