કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના ખેડૂતો પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા

0
3

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના ખેડૂતો પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. ગૃહ મંત્રાલયે પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે, રાજ્યના સરહદી જિલ્લાના ખેડૂતો ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા ખેત મજૂરોને પહેલા નશાની આદત પાડે છે અને પછી તેમને કેદમાં રાખીને પોતાના ખેતરોમાં અમાનવીય રીતે કામ કરાવે છે. પત્રમાં રાજ્ય સરકારને આ મામલે કાર્યવાહી કરીને ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપવા આદેશ અપાયો છે.

ગૃહ મંત્રાલયે પત્રમાં લખ્યું હતું કે, બીએસએફની પુછપરછ દરમિયાન પંજાબના ગુરદાસપુર, અમૃતસર, ફિરોજપુર અને અબોહર જેવા સરહદી જિલ્લાઓમાં યુપી અને બિહારથી આવતા મજૂરો પાસે ખેડૂતો અસહ્ય મજૂરી કરતા હોવાનો ખુલાસો થયો છે. 2019 અને 2020 દરમિયાન બીએસએફ દ્વારા 58 બંદી મજૂરોને છોડાવીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. જો કે, પત્રમાં આ આરોપોને લઈ કોઈ તથ્યાત્મક દસ્તાવેજ કે ફરિયાદની જાણકારી નથી અપાઈ.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોટા ભાગે મજૂરોને નશો કરાવીને તેમના પાસે ખેતરમાં કામ કરાવાય છે. તેમના પાસે નિર્ધારિત સમય કરતા વધારે કામ કરાવવામાં આવે છે અને તેમને મજૂરી પણ નથી આપવામાં આવતી. પંજાબના સરહદી જિલ્લામાં કામ કરવા આવતા મજૂરો મોટા ભાગે બિહાર અને ઉત્તર પ્રદેશના પછાત અને ગરીબ પરિવારના હોય છે. માનવ તસ્કરી કરતી ટોળકીઓ આવા મજૂરોને સારા વેતનની લાલચ આપીને પંજાબ બોલાવે છે અને બાદમાં તેમનું શોષણ કરવામાં આવે છે. ગૃહ મંત્રાલયે પંજાબના ખેડૂતો પર માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ મુક્યો છે અને રાજ્ય સરકારને આ મામલે કાર્યવાહી કરીને રિપોર્ટની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here