રશિયાની વેક્સીન અંગે અમેરિકાએ વ્યક્ત કરી આશંકા, ગુણવત્તા તેમજ અસરકારકતા સામે ઉઠાવ્યા સવાલ

0
5

રશિયાએ મંગળવારે કોરોના વાયરસની સફળ વેક્સીન બનાવ્યાનું એલાન કરી દુનિયાભરના દેશોને ચોંકાવી દીધા હતા. પરંતુ રશિયા દ્વારા કોરોનાની વેક્સીનનું એલાન કર્યા બાદ તેની સામે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના ચેપી રોગ વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ રશિયાની વેક્સીન બાબતે કહ્યું કે તેમને આશંકા છે કે આ વેક્સીન કોરોના સામે સક્ષમ સાબિત થશે કે નહિ. એક સામુહિક ચર્ચા દરમિયાન ફાઉચીએ કહ્યું હતું કે, વેક્સીન બનાવવી અને તે જ વેક્સીનને સુરક્ષા સાથે અસરકારક સાબિત કરવી તે બંને અલગ-અલગ છે.

ફાઉચીનું આ નિવેદન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તે એલાન પછી સામે આવ્યું છે કે રશિયા દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો છે જેણે COVID-19ની વેક્સીનને રજીસ્ટ્રેશન સાથે મંજૂરી મેળવી છે. પુતિનનું કહેવું છે કે આ વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં સફળ સાબિત થઇ છે અને કોરોના વાયરસ સામે શરીરમાં ઇમ્યુનીટી વધારવામાં સફળ રહી છે.

પરંતુ, રશિયાની આ વેક્સીને પોતાના ત્રીજા ચરણનો ટ્રાયલ હજી પૂર્ણ કર્યો નથી જેના કારણે વેક્સીનના વાયરસ સામેના પ્રભાવને લઈને આંતરરાષ્ટ્રીય આરોગ્ય વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ફાઉચીએ કહ્યું કે તેમને એવી ઓ કોઈ સાબિતી મળી નથી જેનાથી રશિયાની સફળ વેક્સીન બનાવવાના એલાન પાર વિશ્વાસ મૂકી શકાય.

ફાઉચીએ વધુમાં જણાવ્યું હતું કે ‘હું આશા રાખું છું કે રશિયાના લોકોએ નિશ્ચિતરૂપે સાબિત કરી દીધું હશે કે આ રસી સલામત અને અસરકારક છે.પરંતુ મેને આશંકા છે કે તેમણે આવું કર્યું હશે.’ તેમણે કહ્યું કે અમેરિકનોએ એ સમજવું જોઈએ કે વેક્સીનની મંજૂરી મેળવવા માટે તે સુરક્ષિત અને અસરકારક સાબિત થવી ખુબ જ જરૂરી છે.

ફાઉચીએ કહ્યું કે મને આશા છે કે COVID-19ની એક સુરક્ષિત વેક્સીન આ વર્ષના અંત સુધી આવી જશે. પરંતુ તેમણે તે બાબતે પણ ભાર આપ્યો કે એક સુરક્ષિત અને અસરકારક વેક્સીનની ગેરંટી ક્યારેય આપી શકાતી નથી.

રશિયાએ વેક્સીન બનાવવાના દાવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંગળવારે જ કહ્યું હતું કે તેઓ રશિયાની COVID-19 વેક્સીન બનાવવાની પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે. WHOએ કહ્યું કે વાયરસ સામે લડવાની શક્તિ અને સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનું સમાધાન કરી શકાતું નથી.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના પૂર્વ કમિશ્નર સ્કોટ ગોટલીબે પણ ફાઉચીની આશંકાને સમર્થન કરતા જણાવ્યું હતું કે રશિયા કોરોના મહામારીને લઈને ઘણી નકલી ઝુંબેશ ચલાવી રહ્યું છે. ગોટલીબે કહ્યું કે, તેમણે પ્રથમ તબક્કાના ડેટા પર જ વેક્સીનની મંજૂરી આપી દીધી હતી. આ બધું અમેરિકા પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

રશિયા આ જ મહિનામાં પોતાના આરોગ્યકર્મીઓને COVID-19ની વેક્સીન આપવાની યોજના બનાવી રહ્યું છે. રોયટર્સ પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં સામાન્ય જનતા માટે વેક્સીન ઉપલબ્ધ થશે.