સ્ટુડન્ટ્સ, જર્નલિસ્ટ્સ અને રિસર્ચર્સ માટે વિઝાની ટાઇમ લિમિટ નક્કી કરશે અમેરિકા, ચીનના લોકો દ્વારા વિઝાના કરાતા દુરુપયોગને અટકાવવાની તૈયારી

0
3

અમેરિકામાં ઝડપથી વિઝા અંગેનો નવો નિયમ લાગુ થાય એવી શકયતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ અંગેનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. સ્ટુડન્ટ્સ, રિસર્ચર અને પત્રકારો માટે વિઝા કેટેગરીમાં ટાઈમ લિમિટ નક્કી કરવાનો પણ પ્રસ્તાવ છે. સરળ ભાષામાં સમજો તો નવી વિઝા કેટેગરી નક્કી કરતી વખતે નક્કી કરવામાં આવશે કે કોઈ વ્યક્તિ કેટલા દિવસ સુધી અમેરિકામાં કાયદાકીય રીતે રહી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, નવા વિઝા પ્રસ્તાવમાં નેશનલ સિક્યોરિટીના મુદ્દાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે.

નવા પ્રસ્તાવમાં કોઈ ખાસ દેશ માટે નિયમ તો નથી, જોકે ચીનના મૂળ લોકો એનો દુરુપયોગ ન કરે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

હાલ ત્રણ કેટેગરી માટે પ્રસ્તાવ

નવા વિઝા પ્રસ્તાવમાં ત્રણ કેટેગરીને જ સામેલ કરવામાં આવી છે. એ છે- સ્ટુડન્ટ્સ(એફ), જર્નાલિસ્ટ(જે) અને રિસર્ચર્સ(આર). અપ્રવાસીઓએ એ જણાવવાનું રહેશે કે તેઓ કેટલા દિવસ કાયદાકીય રીતે અમેરિકામાં રહેવા માગે છે. એ પછી સંબંધિત વિભાગ આ બાબતે વિચાર કરશે.

ચાર વર્ષથી વધુના વિઝા નહિ આપવામાં આવે

વિઝા એપ્લિકેન્ટ્સ એટલે કે વિઝા માટે અરજી કરનારાઓએ એ અંગે અગાઉની સરખામણીમાં વધુ માહિતી આપવી પડશે. પ્રસ્તાવ મુજબ કોઈપણ સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને ત્રણ કેટેગરીમાં ચાર વર્ષથી વધુના વિઝા ઈસ્યુ કરવામાં આવશે નહિ. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ એ દેશોના લોકો પર નજર રાખશે, જે પહેલાં ટાઈમ લિમિટ ક્રોસ કરી ચૂક્યા છે.

હેતુ શું છે

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, અમેરિકાની સરકારના નવા પ્રસ્તાવનો હેતુ વિઝા નિયમો અને ઈમિગ્રેશન પોલિસીને સારી બનાવવાનો છે, સાથે જ એ લોકોની ઓળખ કરવાનો છે જે વિઝા નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરે છે. એમાં એક ખાસ વાત છે. જો કોઈ વ્યક્તિ એવા દેશમાંથી આવે છે જેને અમેરિકાની સરકાર આતંકવાદને સમર્થન કરનાર દેશ માને છે તો એનો વિઝાનો સમય બે વર્ષથી ઓછો કરવામાં આવી શકે છે. નોટિફિકેશન ઈસ્યુ થયા પછી વિદ્યાર્થીઓએ 60ની જગ્યાએ 30 દિવસમાં જ દેશ છોડવો પડશે. ગત વર્ષે સ્ટુડન્ટ્સની કેટેગરીમાં 10 લાખ એડમિશન પ્રપોઝલ આવ્યાં હતાં.