ગુજરાતમાં હવામાને ફળોના રાજા કેરીને પહોંચાડી મોટી અસર

0
24

ફળોમાં રાજા ગણાતી કેરીને દર વખતે ક્યાંકને ક્યાંક ગ્રહણ લાગે જ છે તેવી રીતે આ વર્ષે પણ સતત પડેલા કમોસમી વરસાદથી આંબામાં આવતાં મોર દોઢેક માસ જેટલા મોડા આવવાનું શરૂ થયું છે. બાદમાં ઠંડીની પણ ફ્લાવરિંગ પર ભારે અસર જોવા મળી છે. જેથી કેરીનું ઉત્પાદન આ વર્ષે ઘટશે. રાજ્યમાં 1.63 લાખ હેક્ટરમાં આંબાનું વાવેતર થાય છે. જેમાં 12 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જેમાં તાલાલા- જુનાગઢમાં 8565 હેક્ટરમાં 47 હજાર મેટ્રિકટન કેસર કેરી પેદા થાય છે. હેક્ટર દીઠ 5.50 મેટ્રિક ટન કેસર કેરી પેદા થાય છે. કેરી માટે હવામાન એ સૌથી મોટું પરિબળ છે. ડિસેમ્બરથી બંધાતા તબક્કાવાર મોરના ગણિતો કેરીના ઉત્પાદનનો આધાર હોય છે. આ વર્ષે ભારે ઠંડીએ મોરની પ્રક્રિયાને અસર પહોંચાડી છે.

ગીર પંથકના આંબાવાડીઓમાં ભરપૂર મોર મહોરી રહ્યો છે. પરંતુ ખેડૂતોને તો ચિંતા ઉભીને ઉભી છે. કેમ કે જાન્યુઆરી પૂરો થવા આવ્યો છે ત્યારે છે કે આંબા પર ફ્લાવરિંગની શરૂઆત થઇ છે. સતત પડી રહેલા માવઠાના કારણે શિયાળુ પાકને પણ અસર થઇ છે. અને હવે ફળોમાં રાજા ગણાતી કેરીને પણ માવઠા અને ઋતુની અસર નડી રહી છે.

આમ તો દર વર્ષે ડિસેમ્બર માસમાં આંબા ઉપર મોર આવતો હોય છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી માસના અંતમાં ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઇ છે. જેથી ફ્લાવરિંગ એકથી દોઢ માસ મોડું આવ્યું છે. તેમાં પણ સતત પડી રહેલી ભારે ઠંડીની અસર જોવા મળે છે. જેના કારણે ફ્લાવરિંગ નો વિકાસ પણ રૂંધાઇ રહ્યો હોય તેવું સામે આવ્યું છે. ગત વર્ષે પણ ઓછા ઉત્પાદનને પગલે કેરી પકવતા ખેડૂતોને ભારે નુક્સાન ગયું હતું. ખેડૂતો માટે સૌથી મોટી બાબત એ કેરીના ભાવ છે. ગુજરાતની કેસર અને આફૂસ કેરીની વિશ્વભરમાં માગ હોય છે.

હવે ઠંડીમાં તો ઘટાડો થયો પરંતુ જો વધુ પડતી ગરમી પડશે તો તેનાથી પણ ફ્લાવરિંગને અસર થવાની ચિંતા છે. કૃષિ વિજ્ઞાનીઓએ ઠંડીથી આંબાને રક્ષણ આપવા માટે સવારમાં ખેતરમાં પડેલા વધારાના કચરાને બાળી ધુમાડો કરવાની અને આંબાના વૃક્ષ ફરતા ખામણાં કરવાની ભલામણ કરી છે. ખેડૂતો માટે આખુ વર્ષ સતત સંઘર્ષમય અને મુશ્કેલીમય સાબિત થયું છે. એવામાં કેરીની આવનારી સીઝન બગડવાની ચિંતા ખેડૂતોને કોરી ખાઇ રહી છે.

કેરાલામાંથી માર્ચ માસમાં કેરીની આવક શરૂ થઇ જતી હોય છે

કેરીની પીક સીઝન એપ્રિલ, મે અને જુન માસ હોય છે. કેરાલામાંથી માર્ચ માસમાં કેરીની આવક શરૂ થઇ જતી હોય છે. તેમાં પણ આ વર્ષે ૧૫ માર્ચ પછી જ કેરાલાની કેરીની આવકો શરૂ થઇ છે.

રત્નાગીરીની કેરીની આવક હજુ સમગ્ર મે માસ માં જોવા મળશે. ત્યારબાદ જુન માસમાં ઉત્તરપ્રદેશમાંથી લગંડો, દશેરી અને ચોસા કેરીની આવકો શરૂ થશે. જે જુલાઇ માસના અંતભાગ સુધી ચાલશે. આંધ્રપ્રદેશમાંથી પણ તોતાપુરી, બદામ અને નીલમ કેરીની આવક જુલાઇ સુધી ચાલશે.આમ આ વર્ષે કેરીના પાકમાં ઘટ જોવા મળતા આવક ઘટની સાથે ભાવ વધારાની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેમાં આમ એપ્રિલ માસના અંત સુધીમાં તો ગરીબ અને મધ્યમવર્ગ માટે કેરીનો સ્વાદ માણવો મોંઘો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here