પ્રથમ ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝ 32 વર્ષથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી શક્યું નથી, રૂટની ગેરહાજરીમાં સ્ટોક્સ પહેલીવાર કપ્તાની કરશે

0
6

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે રમાશે.

જેસન હોલ્ડરની ટીમ વિઝ્ડન ટ્રોફીને ડિફેન્ડ કરવા મેદાને ઉતરશે. તેમણે 2018માં ઇંગ્લેન્ડને પોતાના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ, નિયમિત કેપ્ટન જો રૂટની ગેરહાજરીમાં બેન સ્ટોક્સ પહેલીવાર ઇંગ્લેન્ડની કમાન સંભળાશે. સ્ટોક્સ ઇંગ્લેન્ડને લીડ કરનાર 81મો કેપ્ટન બનશે.

સીરિઝ ક્લીન સ્વીપ કરવા પર ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ત્રીજા નંબરે પહોંચશે

ચેમ્પિયનશિપના નિયમ અનુસાર દરેક સીરિઝ માટે 120 પોઇન્ટ્સ મળે છે. સીરિઝની મેચના આધારે પોઇન્ટ્સ મળે છે. 3 ટેસ્ટની સીરિઝ છે એટલે દરેક મેચ માટે 40 પોઇન્ટ્સ મળશે. ઇંગ્લેન્ડ ક્લીન સ્વીપ કરે તો 266 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબરે પહોંચી જશે.

ઇંગ્લેન્ડમાં હેડ-ટૂ-હેડ

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડમાં 1928થી અત્યાર સુધીમાં કુલ 21 ટેસ્ટ સીરિઝ રમી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ 11 અને વેસ્ટ ઇન્ડીઝ 8 સીરિઝ જીત્યું છે, જ્યારે 2 સીરિઝ ડ્રો ગઈ હતી. ઘરઆંગણે ઇંગ્લિશ ટીમ 32 વર્ષ અને 8 સીરિઝથી વિન્ડિઝ સામે અપરાજિત છે. છેલ્લે 1988માં વિવિયન રિચાર્ડ્સની ટીમ 5 મેચની સીરિઝ 4-0થી જીતી હતી. માનસિક રીતે એવા થાકી ગયા હતા કે, માઇક ગેટિંગ, જે એમ્બુરે, ક્રિસ ક્રાઉદરે અને ગ્રાહમ ગૂચ એમ ઇંગ્લેન્ડે ત્યારે 4 અલગ અલગ કેપ્ટનનો ઉપયોગ કર્યો હતો! જોકે એ સીરિઝ પછી આંકડા 360 ડિગ્રી ફરી ગયા હતા. ત્યારબાદ વિન્ડિઝ છેલ્લા 32 વર્ષમાં 32 ટેસ્ટમાંથી તેઓ માત્ર 6 ટેસ્ટમાં જીતનો સ્વાદ ચાખી શક્યા છે. ઇંગ્લેન્ડ આ દરમિયાન 20 ટેસ્ટ જીત્યું, જ્યારે 6 ટેસ્ટ ડ્રો રહી હતી.

વેધર અને પિચ રિપોર્ટ 

સાઉથહેમ્પટનમાં બુધવાર અને ગુરુવાર એટલે કે મેચના પહેલા બે દિવસે વરસાદની સંભાવના છે. જોકે, હવામાન વિભાગ અનુસાર, છેલ્લા ત્રણ દિવસ વરસાદ વિલનની ભૂમિકા નહિ ભજવે. રોઝ બાઉલની વિકેટ ફ્રેશ છે, એટલે એક્સપર્ટ્સ અને બંને કેપ્ટન તેના સ્વભાવને લઈને દુવિધામાં છે. ફાસ્ટ બોલર્સને વધારે પરચેઝ મળે તેવી સંભાવના છે, 350 રન કરનાર ટીમ મેચ જીતવા ફેવરિટ થઈ જશે.

ટીમ ન્યૂઝ

ઇંગ્લેન્ડ: જો રૂટની ગેરહાજરીમાં ઝેક ક્રોલે ચોથા નંબરે બેટિંગ કરશે. રોરી બર્ન્સ અને ડોમ સિમ્બલે ઓપનિંગ કરશે, જ્યારે જો ડેન્લી ત્રીજા ક્રમે રમશે. કેપ્ટન બેન સ્ટોક્સ પાંચમા, ઓલી પૉપ છઠ્ઠા અને જોસ બટલર સાતમા ક્રમે લગભગ નક્કી છે. ડોમ બેસ ઓફ સ્પિનની જવાબદારી સંભળાશે. જ્યારે જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર અને માર્ક વુડ ફાસ્ટ બોલર્સ રહેશે. સ્ટુઅર્ટ બ્રોડને બહાર બેસાડીને માર્ક વુડને રમાડવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ 11

1) રોરી બર્ન્સ 2) ડોમ સિમ્બલે 3) જો ડેન્લી  4)  ઝેક ક્રોલે 5) બેન સ્ટોક્સ 6) ઓલી પૉપ 7) જોસ બટલર 8) ડોમ બેસ 9) જોફરા આર્ચર 10) જેમ્સ એન્ડરસન 11) માર્ક વુડ

વેસ્ટ ઇન્ડીઝ: હોલ્ડરે કહ્યું કે, તે છેલ્લી ઘડીએ પ્લેઇંગ 11 ફાઇનલ કરશે. વિન્ડિઝનું બોલિંગ એટેક ઇંગ્લેન્ડ જેટલું જ મજબૂત છે. જેસન હોલ્ડર, કેમર રોચ, શેનોન ગેબ્રિયલ અને અલઝારી જોસેફ ઇંગ્લેન્ડની અનુભવ વગરની બેટિંગની આકરી પરીક્ષા લેશે. જોકે વિન્ડિઝની બેટિંગ લાઈન-અપ પણ એવી જ છે. શાઇ હોપ અને ક્રેગ બ્રેથવેટ પાસેથી ટીમને મોટી ઇનિંગ્સની આશા રહેશે.

વેસ્ટ ઇન્ડીઝની સંભવિત પ્લેઇંગ 11

1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) રોસ્ટન ચેસ 6) શેન ડાઉરિચ 7) જેસન હોલ્ડર 8) રહકીમ કોર્નવેલ 9) અલઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here