ટીમ ઈન્ડીયામાં એક સમયે દાદા તરીકે નામના મેળવનાર અને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે કામગીરી કરનાર સૌરવ ગાંગુલીએ તેની કારકીર્દીમાં 2005ના વર્ષમાં જે રીતે કેપ્ટન્સી છીનવી લેવાય અને ટીમમાંથી પણ પડતો મુકાયો તેને યાદ રાખતા કહ્યું કે તે મારી કારકીર્દીનો સૌથી મોટો ફટકો હશે અને તેઓને અન્યાય થયો હોવાનું પણ લાગણી વ્યક્ત કરી હતી. સૌરવે કહ્યું કે કદાચ તમે દરેક સમયે ન્યાયી મેળવી શકો તેવુ હું કહેતો નથી પરંતુ જે પ્રકારે મારી સાથે વર્તન કરવામાં આવ્યું તે નિવારી શકાયુ હોત.
ઝીમ્બાબ્વે સામેની સફળ ટુર બાદ પરત ફર્યા કે તુર્ત જ મને ટીમમાંથી પડતો મુકાયો. વાસ્તવમાં 2007નો વર્લ્ડકપ જીતવાની હું આશા રાખતો હતો. અગાઉના વર્લ્ડકપમાં અમે ફાઈનલ સુધી પહોંચ્યા હતા અને ટીમ મારા નેતૃત્વમાં પાંચ વર્ષ રમી તેમાં ઘરઆંગણે કે વિદેશમાં બંને જગ્યાએ સફળતા મળી હતી. છતાં મને કહેવાયુ કે હું વનડે ટીમમાં નથી અને પછી ટેસ્ટમાંથી પણ પડતો મુકાયો.
સૌરવે આ પરિસ્થિતિ માટે ટીમના તે સમયના કોચ ગ્રેગ ચેપલને પણ જવાબદાર ગણાવ્યા હતા અને ચેપલનો જે ઈમેઈલ લીક થયો તે માટે સૌરવે કહ્યું કે ચેપલ સતત મારા વિરુદ્ધ બોર્ડને ઈમેઈલ મોકલતા હતા અને તેમાંથી કેટલાક લીક થયા. ક્રિકેટ ટીમ એ કુટુંબ જેવી છે તેમાં મતભેદ હોઈ શકે છે. પરંતુ તે સાથે બેસીને ઉકેલી શકાય. સૌરવે એ પણ કહ્યું કે ફકત ચેપલ નહી પસંદગી સમીતી પણ મને થયેલા અન્યાય માટે જવાબદાર છે અને સમગ્ર બોર્ડની સીસ્ટમ જ મારા વિરુદ્ધ થઈ ગઈ હતી અને મને પડતો મુકાયો હતો પણ હું દબાણને તાબે થયો નહી. સૌરવ 2005માં ડ્રોપ થયા બાદ એક વર્ષ પછી ફરી આફ્રિકા જતી ટીમમાં સામેલ થયો અને બે વર્ષ સુધી અનેક શ્રેષ્ઠ ઈનીંગ્સ રમી અને ત્યારબાદ 2008માં નિવૃત થયો હતો.