અમદાવાદ : SVP માં પ્લાઝમા થેરેપી લેનાર મહિલાએ કોરોનાને હરાવ્યો

0
11

અમદાવાદ. એસવીપીમાં પ્રથમ વખત ઓકિસજન પર રહેલી મહિલા દર્દીને બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું હતું. આ મહિલા દર્દી સાજા થઈ જતાં તેમને એસવીપીમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં આ પ્રથમ દર્દી હતાં જેમની પ્લાઝમાં થેરેપીથી સારવાર કરવામાં આવી હતી. આ પછી અન્ય પાંચ દર્દીને પણ બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું છે જે તમામ હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત બ્લડ પ્લાઝમાં ડોનરની સંખ્યા પણ હવે દસ થઈ ગઈ હોવાનું મ્યુનિ.સુત્રોનું કહેવુ છે. જે દર્દીને બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું હતું તેમને ઓબેસિટી પણ હતી. 21 એપ્રિલે તેમને પ્લાઝમાં આપ્યા બાદ તેઓ આશરે પંદરથી વધુ દિવસ સારવાર હેઠળ રહ્યાં બાદ સાજા થયા હતા. જો કે, હજુ પણ પ્લાઝમાં થેરેપી કેટલી સફળ છે કે નહીં તે અંગે એસવીપીના તબીબોની ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

કોવિડનો શિકાર બનેલી આ મહિલા ઓક્સિજન પર હતી

આઈસીએમઆરે નક્કી કરેલા માપદંડ પ્રમાણે કોવિડને પરાસ્ત કરનારા દર્દીઓના લોહીમાં એન્ટીબોડી બનેલા હોય છે. એક મહિલા પોઝિટિવ દર્દીએ સાજા થયા પછી 21 એપ્રિલે 50 વર્ષીય મહિલાને બ્લડ પ્લાઝમાં આપ્યું હતું. કોવિડનો શિકાર બનેલી આ મહિલા ઓક્સિજન પર હતી. સાજી થયેલી વ્યકિતના લોહીમાંથી પ્લાઝમાં છૂટું પાડી લગભગ 200 એમએલ ચઢાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા માટે 3 કલાકનો સમય લાગ્યો હતો. આ પછી તબક્કાવાર દર્દીને ઓક્સિજનની જરૂર કેટલી ઘટે તે રોજ ચેક કરાતું હતું. ત્યારબાદ છ દિવસ પહેલાં આ દર્દીનો ફરી કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.

દર્દીઓ પ્લાઝમાં ડોનેટ કરે તે માટે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, નવી ડિસ્ચાર્જ પોલિસી પ્રમાણે હાલમાં રોજના સંખ્યાબંધ દર્દીઓને રજા આપવામાં આવે છે. અત્યારસુધી કુલ 2352 લોકો ડિસ્ચાર્જ મેળવી ચૂકયા છે ત્યારે આવા દર્દીઓ પ્લાઝમાં ડોનેટ કરે તે માટે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. 2352માંથી હાલ માત્ર દસ જ ડોનરે પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તબીબોના કહેવા પ્રમાણે લોકોએ ખરેખર સામેથી સમાજને મદદ થવા આગળ આવવું જોઈએ. કેમ કે આમાં કોઈ જ પ્રકારનું જોખમ રહેલું નથી.

રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય તો જ આ થેરેપીનો ઉપયોગ 

તબીબી સૂત્રોનું કહેવું છે કે, કોઈ પણ દર્દીને પ્લાઝમાં થેરાપી આપી શકાય નહીં. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય તો જ આ થેરાપીનો ઉપયોગ થઈ શકે. આ થેરેપી માટે એસવીપીમાં ઘણી મોટી ટીમ કામ કરી રહી છે. કોવિડથી સાજા થયેલા દર્દીઓએ હજુ પણ પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવવું જોઈએ તેવી તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here