ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યુવકને નોકરી ન મળી છેવટે આત્મનિર્ભર બનવાનું નક્કી કરી પિતાની જેમ ચાની કીટલી શરૂ કરી

0
16

માતા-પિતા પોતાનાં બાળકોને પેટે પાટા બાંધીને ભણાવતા હોય છે, પરંતુ જ્યારે તેઓ ડીગ્રી મેળવ્યા બાદ નોકરી માટે જાય છે ત્યારે તેમને નોકરી મળતી નથી. આજે રાજ્યમાં આવા અનેક બેરોજગાર છે, ત્યારે અમદાવાદમાં એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બેરોજગાર આત્મનિર્ભર બન્યો છે. અનેક જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા બાદ તેણે ચાની કીટલી શરૂ કરી છે. મેઘાણીનગરમાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યુવકે સુભાષબ્રિજના છેડે નારણઘાટ પાસે “એન્જિનિયરની ચા” નામે સ્ટોલ શરૂ કરી પોતે રોજગારી મેળવવાની શરૂ કરી છે.

સરકારી નોકરી માટે પણ પરીક્ષાઓ આપી હતી
અમદાવાદના મેઘાણીનગર ચુવાળનગર 1માં રહેતા રોનક રાજ વર્ષ 2015માં તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેના પરિવારમાં પોતે, પિતા અને બહેન છે. પિતા કલાપીનગર પાસે ચાની કીટલી ધરાવે છે. બહેન મયૂરીએ ડિપ્લોમા એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને એન્જિનિયર બનાવ્યો હતો. અનેક જગ્યાએ નોકરી માટે ઈન્ટરવ્યુ આપ્યા હતા, પરંતુ તેને ક્ષમતા મુજબ નોકરી અને પગાર મળ્યો ન હતો. સરકારી નોકરી માટે પણ પરીક્ષાઓ આપી હતી, પરંતુ તેમાં સફળ થયો ન હતો. જેથી છેવટે તેણે આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો હતો.

રોનક વ્યવસાય શરૂ કરી ખુશ છે અને કીટલી ચલાવી આગળ વધવા માગે છે
વધુમાં, તેણે જણાવ્યું હતું કે આપણા દેશમાં ચા પીવા માટેનો કોઈપણ સમય મર્યાદિત નથી. લોકોને ગમે ત્યારે ચાની તલબ લાગતી હોય છે, જેથી તેણે સોમવારથી ચાની કીટલી શરૂ કરી છે, તેનું નામ ” એન્જિનિયરની ચા ” નામ રાખ્યું છે. આજે પોતે આ વ્યવસાય શરૂ કરીને ખુશ છે અને હવે પોતે આ કીટલી ચલાવી આગળ વધવા માગે છે. બીજા ટી સ્ટોલ કરતાં થોડો અલગ છે, કારણ કે તેઓ પોતાના ગ્રાહકોને ચા સાથે બિસ્કિટ પણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here