અમદાવાદ : કોરોનાની મહામારીના બીજા ફેઝમાં સ્કૂલ-કોલેજો શરૂ કરવાના તગલખી નિર્ણયનો યુવક કોંગ્રેસ અને NSUIનો સખત વિરોધ.

0
10

એકબાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર સ્કૂલ અને કોલેજો શરૂ કરવા માટે નિર્ણય લીધો છે. મોટાભાગના વાલીઓ આ બાબતે બાળકોને સ્કૂલ મોકલવા માંગતા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સ્કૂલ-કોલેજ શરૂ કરવાના નિર્ણયને યુવક કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ વિરોધ નોઁધાવ્યો છે. તેમજ આગામી દિવસોમાં રાજ્ય સરકારના શાળા-કોલેજો શરૂ કરવા માટે તગલખી નિર્ણયને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી તાત્કાલિક પાછો ખેંચવામાં ન આવે તો યુવક કોંગ્રેસ અને NSUIને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

સરકાર વાલીઓ પાસે સંમતિ પત્ર મંગાવી જવાબદારીમાંથી સટકતી હોવાનો આરોપ

ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીના બીજા ફેઈઝની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે (18 નવેમ્બરે) માત્ર એક જ દિવસમાં 1280થી વધુ કોરોનાના કેસ ગુજરાતમાં નોંધાયા હતા. મુખ્યમંત્રીના પોતાના જિલ્લામાં સાત લોકોએ કોરોનાની મહામારીમાં જીવ ગુમાવ્યા હતા. અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં સરેરાશ અંદાજે 220થી વધુ કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા હોય ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શાળા-કોલેજ સંચાલકોને ફાયદો પહોંચાડવા પોતાના તગલખી નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં નાખવા જઈ રહ્યાં છે. શાળા-કોલેજો માટે વાલીઓના સંમતિ પત્ર મંગાવી સરકાર પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહી છે. જો આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા-કોલેજોમાં જશે અને સંક્રમિત થશે તો શું સરકાર એની જવાબદારી લેશે? શું સરકારમાં બેઠેલા મંત્રીઓ અથવા તો ભાજપના આગેવાનો પોતાના બાળકોને સંક્રમિત થવા શાળામાં મોકલશે ?

વિદ્યાર્થીને શિક્ષણ સર્ટિફિકેટ આપવા માંગે છે કે ડેથ સર્ટિફિકેટ?

કઠવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારના આપેલા આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 16100થી વધુ એક્ટિવ કેસો છે. સંક્રમિત દર્દીઓને હાલ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં. અમદાવાદ સિવિલની કેન્સર અને કિડની હોસ્પિટલમાં પણ બેડની સુવિધા ઉભી કરવી પડે તેવી પરિસ્થિતિ છે ત્યારે શાળા-કોલેજો શરૂ કરી આ વિદ્યાર્થીઓ જે દેશનું અને ગુજરાતનું ભાવી છે તેમનુ જીવન શિક્ષણમંત્રી શું કામ જોખમમાં મુકવા માંગે છે? શું શાળા-કોલેજો શરૂ કરવામાં આવશે તો ત્યાં આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે? શું ડોક્ટર અને મેડિકલ સ્ટાફને શાળા-કોલેજો ઉપર સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવશે? શું વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેની જવાબદારી શિક્ષણ વિભાગ લેશે? માત્ર સંચાલકોનું ફીનું મીટર શરૂ થાય તેના માટે લેવાયેલા આ તગલખી નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમાશે તો તેના જવાબદાર કોણ? શું વિદ્યાર્થી સંક્રમિત થશે તો તેમનો પરિવાર પણ સંક્રમિત થશે તેની જવાબદારી કોણ લેશે, સ્કૂલ સંચાલક કે શિક્ષણ વિભાગ? શું સરકાર વિદ્યાર્થીઓને અને વાલીઓને શિક્ષણનું સર્ટિફિકેટ આપવા માંગે છે કે મૃત્યુ સર્ટિફિકેટ આપવા માંગે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here