વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતની બંધ પડી ગયેલી લાઈનનો વાયર તૂટી પડતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

0
4

શહેર નજીક આવેલ નંદેસરી અદ્યોગિક વસાહતમાં આજે ફરી એકવાર જેટકો કંપનીની 66000 kv ની બંધ લાઈનનો સડી ગયેલ વાયર અચાનક પડતા એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જયારે બીજા યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોટી દુર્ઘટના ટળી

આજે સવારે ફાજલપુર ગામથી નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પાણી સપ્લાય કરવા માટે રણજિત ગોહિલ નામનો યુવક ટ્રેકટર લઈ નંદેસરી વસાહત પહોંચ્યો હતો. તે દરમિયાન હરી ઓર્ગો નામની કંપની સામેજ જેટકો કંપનીની બંધ પડેલ 66000 kv ની લાઈનૂનો સડી ગયેલ વાયર અચાનક નીચે પાણીના જગ લઈ ઉભેલ ટ્રેકટર ઉપર પડ્યો હતો. વાયર પડતા ટ્રેકટર ડ્રાઇવર રણજિત ગોહિલ નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો અને તેની સાથેના અન્ય યુવાનને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે મોકલી અપાયા હતા. જોકે જેટકો કંપનીના આ 66000 kvની લાઈન વર્ષોથી બંધ હાલત માં પડી રહી છે. જો આ લાઈન જીવંત હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વાયર સમયસર બદલવા જરૂરી

અત્રે ઉલ્લેખનિય છે કે, નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ઉદ્યોગ હોવાના કારણે વીજ સપ્લાય કરતા વાયરો જલ્દી સડી જતા હોય છે. અને વારંવાર તૂટી પડી અકસ્માત સર્જાતાં હોય છે. જેટકો કંપનીની આ બંધ પડેલ લાઈન ના વાયરો ઉતારી લેવા અંગે નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુ ભાઈ પટેલ દ્વારા જેટકો કંપનીને વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ જેટકો કંપની સંચાલકોના કાને આ રજુઆત નહીં પડતા આજરોજ આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનો વીજ સપ્લાય કરતા આવા સડી ગયેલ વાયરો તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી રહ્યા છે.