ઝરીન ખાન અને અંશુમન ઝાની અપકમિંગ ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ની 3-4 દિવસનાં શૂટિંગની ફૂટેજ ગાયબ થઇ ગઈ છે. આ ફૂટેજ એક હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરેલ હતી જેને હાર્દિક જોશી નામના ડિજિટલ ઇમેજિંગ ટેક્નિશિયનને સોંપવામાં આવી હતી. તેને આ હાર્ડ ડિસ્કની ફૂટેજને કન્વર્ટ કરવાની જવાબદારી અપાઈ હતી, પરંતુ એક અઠવાડિયાં બાદ મેકર્સે જ્યારે હાર્દિક, તેના બોસ અને ડીઓપી ફારુખ મિસ્ત્રીનો સંપર્ક કર્યો ત્યારે તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.
ફિલ્મમેકરે અંતે આ હાર્ડ ડિસ્કની રિકવરી માટે મુંબઈ પોલીસની મદદ લેવી પડી. ખબર છે કે ફિલ્મમેકર હરીશ વ્યાસ અને ફિલ્મના એક્ટર અંશુમન ઝાએ મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશન જઈને આની માહિતી પોલીસ અને સાઇબર સેલને આપી. તેમણે હાર્દિક જોશી અને ફારુખ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ રજિસ્ટર કરાવી. તેમણે પોલીસને વિનંતી કરી કે હાર્ડ ડિસ્ક કોઈ ખોટાં વ્યક્તિનાં હાથમાં જાય તે પહેલાં શોધી લે. ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ની સ્ક્રિપ્ટ એક સિલેક્ટેડ સ્ક્રીન પ્લે સિંગાપુર ફિલ્મ માર્કેટમાંથી ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં લેવામાં આવી હતી. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇડ ડે પર રિલીઝ થવાની છે.