કલોલ : નવજીવન શોપિંગમાં આવેલ ઇલેક્ટ્રોનિક આઇટમના ગોડાઉનમાંથી 2.66 લાખની ચોરી.

0
30

કલોલ શહેરના નવજીવન શોપિંગ માં આવેલ ઇલેક્ટ્રોનિક આઇટમ ના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને દુકાનમાં રહેલ વિવિધ ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ રૂપિયા 2,66,000ની 16 વસ્તુઓની ઉઠાંતરી કરી પલાયન થઇ જતાં ભારે ચકચાર મચી છે.

શહેરના મુખ્ય માર્ગ પર આવેલ શોપિંગ ના પાછળના ભાગે આવેલા ગોડાઉનમાં આટલી મોટી ચોરી થતાં વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. નગરના ખૂની બંગલા પાસે આવેલા પોલીસ પોઈન્ટ નજીક જ ચોરોએ વિદ્યા અજમાવી હોવાથી શહેરના અન્ય વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.

કલોલ તાલુકાના ઓળા ગામે આવેલ પટેલ વાસમાં રહેતા ધવલકુમાર રમેશભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ તેમજ કલોલના કલ્યાણપુરા વિસ્તારની ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા કિશન કુમાર અશોકભાઈ પટેલ કલોલના સિટી મોલ ખાતે ન્યૂ રોયલ મોબાઇલ નામનો ભાગીદારીમાં શોરૂમ ચલાવે છે. જેઓએ નવજીવન શોપિંગ માં આવેલ દુકાન નંબર 29,30,31,32,17 એમ કુલ 5 દુકાનો ગોડાઉન તરીકે ધરાવે છે. જેમાં તેમાં શોરૂમની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો રાખે છે.

તા.18 નવેમ્બરના રોજ તેમને ગોડાઉન માંથી માલ કાઢી બંધ કર્યું હતું. જે તા.19 નવેમ્બરના રોજ બપોરે 4 વાગ્યાના સુમારે ગોડાઉનમાં માલ લેવા જતા 31 નંબર ની દુકાનના શટર નકુચા તૂટેલા હતા. ગોડાઉન ચોરી થયાનું જણાતા ગોડાઉન ની અંદર જોતા તેમાં રહેલ રૂ.1,02,000ની કિંમતના મિત્સુબિશ કંપનીના 3 એસી, રૂ.25,000ની કિંમતનું હાયર કંપનીનું 1 નંગ એસી, રૂ.25,000ની કિંમતનું લોઈડ કંપની નું 1 નંગ એસી રૂ.35,000ની કિંમતનું હિટાચી કંપની નું 1 નંગ એસી તેત્રજ રૂ. 12,000ની કિંમતની એલજી કંપની 32 ઈંચની એલઈડી ટીવી નંગ 1, રૂ.10,000ની કિંમતની સેમસંગ કંપની 32 ઈંચની એલઈડી ટીવી નંગ 1 અને એલજી કંપનીના 3 સાઉન્ડ સિસ્ટમ તેમજ રૂ.24,000ની કિંમતની 3 નંગ ઘરઘંટી અને રૂપિયા 10,000ની કિંમતના 2 આરો પ્લાન્ટ મળી કુલ રૂ.2,66,000ના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે નવજીવન શોપિંગ સેન્ટર થી નજીક આવેલ ખુલ્લી બંગલા ચાર રસ્તા પાસે પોલીસ પોઈન્ટ આવેલો છે. તેમ છતાં રાત્રી દરમિયાન ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરો 6 એસી, 2 એલઈડી ટીવી, 3 સાઉન્ડ સિસ્ટમ 3 ઘરઘંટી, 2 આરો પ્લાન્ટ મળી કુલ 16 નંગ વસ્તુઓની ઉઠાંતરી કરતા ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here