Tuesday, September 21, 2021
Homeઅમદાવાદની હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.97 લાખની ચોરી
Array

અમદાવાદની હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા ગયેલા પરિવારના ઘરમાંથી 3.97 લાખની ચોરી

અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા માટે ગયેલા પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવી 20 તોલા સોનાના દાગીના તેમજ રોકડ 90 હજાર રૂપિયા મળીને કુલ3.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ મામલે પરિવારે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પરિવાર અમદાવાદની હોસ્પિટલમાં દાખલ માતાની ખબર કાઢવા ગયો હતો

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ એ. 4, પ્રાંગણ સોસાયટીમાં ઋષિકેશ પુનમભાઇ બારોટ પરિવાર સાથે રહે છે અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઋષિકેશ બારોટની માતા યામિનીબેન બારોટને 20 જુલાઇના રોજ અમદાવાદ બોપલ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ઋષિકેશ બારોટ પત્ની, બાળકો તેમજ મુંબઈથી આવેલી બેનને લઇને 24 જુલાઇના રોજ અમદાવાદ માતાની ખબર કાઢવા માટે ગયા હતા. માતાની ખબર જોઇને પરિવાર વિરમગામ પાસે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.

મામાની દીકરીએ ઘરમાં ચોરી થયાની જાણ કરી

દરમિયાન તેમની પડોશમાં રહેતા મામાની દીકરી ધરનીબેન રાવે ફોન કરીને જણાવ્યું હતું કે, મકાનના દરવાજાનું તાળુ નથી અને દરવાજો તૂટેલો છે. ચોરી થઇ હોવાનું જણાઈ આવે છે. ઋષિકેશ બારોટ તુરંત જ પરિવાર સાથે પરત વડોદરા આવી ગયા હતા. ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમ સ્થિત તિજોરીનો સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા નાની બહેનના સોનાના દાગીના તેમજ રોકડ રકમ જણાઇ આવી ન હતી. આ અંગે તેઓએ સમા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

સોનાના દાગીના સહિત 3.97 લાખની મત્તાની ચોરી

ઋષિકેશ બારોટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તસ્કરો ઘરમાંથી સોનાનો સેટ, સોનાની ચેન, સોનાની બંગડી, સોનાની બુટ્ટી, રોકડ રકમ વિગેરે મળી રૂપિયા 3,97,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયા છે. સમા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં આવેલી પ્રાંગણ સોસાયટીમાં બનેલા ચોરીના બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે.

મહિલાના ગળામાંથી 75 હજારની કિંમતની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર

બીજી તરફ વડોદરા રેલવે સ્ટેશન ઉપર બાન્દ્રા-ભાવનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા મુસાફરના ગળામાંથી રૂપિયા 75 હજારની કિંમતની અઢી તોલાની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો. વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મહારાષ્ટ્રના વિરાટ પાલઘર ખાતે આવેલ ગાયકવાડી વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પારૂલબેન રાજેશભાઇ પ્રજાપતિ 12 જુલાઈના રોજ બોરીવલી થી સોનગઢ જવા માટે બાન્દ્રા-ભાવનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.

પોલીસે ગઠીયાની શોધખોળ શરૂ કરી

દરમિયાન મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી ત્યારે પારૂલબેન પ્રજાપતિ પોતાની સીટ ઉપર સૂઈ રહ્યા હતા. તે સમયે કોઈ ગઠીયો બારીમાં હાથ નાખીને નિંદ્રાધીન પારુલબેન પ્રજાપતિના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. ગળામાંથી સોનાની ચેઇન ખેચાતા તેઓએ બુમરાણ પણ મચાવી હતી. પરંતુ ટ્રેન ઉપડી ગઈ હોવાથી ગઠિયો હાથ લાગ્યો ન હતો. આ બનાવ અંગે પારુલબેન પ્રજાપતિએ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરના CCTV ફૂટેજ મેળવી સોનાની ચેનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયેલા ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments