રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં સિનિયર સિટીઝનો પર હુમલો થવાની કુલ 435 ઘટનાનો બની

0
3

રાજ્યમાં સરકાર સબ સલામતની ગુલબાંગો ફૂંકતી રહે છે. રાજ્ય સિનિયર સિટીઝનો અને મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો સરકાર વારંવાર દાવો કરતી રહે છે. ત્યારે મહિલાઓ બળાત્કાર અને સિનિયર સિટીઝનો પર થયેલા હૂમલાઓના આંકડા જ રાજ્ય સરકારના દાવાની પોલ ખોલી રહ્યાં છે. હાલમાં રાજ્યમાં વિધાનસભાનું સત્ર શરુ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ગુનાખોરીના આંકડાઓ રજુ કરી રહી છે. ત્યારે બળાત્કારના છેલ્લા પાંચ વર્ષમાં થયેલા 6 હજારથી વધુ બનાવો અને છેલ્લા એક વર્ષમાં સિનિયર સિટીઝનો પર થયેલા 435 હૂમલાઓના આંકડાઓ માથુ શરમથી નીચે ઝુકી જાય તેવી સ્થિતિમાં મુકનારા છે.

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 41 હૂમલાની ઘટનાઓ

હજી અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુરમાં રહેતા વૃદ્ધ દંપત્તિની હત્યાની શાહી ભુસાઈ નથી. તે ઉપરાંત વેજલપુરમાં એક વૃદ્ધાની હત્યા કરી દેવાની ઘટના પણ ચર્ચામા છે. ત્યારે રાજ્ય સરકારે વિધાનસભામાં રજુ કરેલા આંકડાઓમાં મેટ્રો સિટી તરીકે જાણીતા અમદાવાદમાં જ સિનિયર સિટીઝનો પર છેલ્લા એક વર્ષમાં 41 હૂમલાની ઘટનાઓ બની હોવાનું જણાવ્યું છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યમાં ય સિનિયર સિટીજનો પર હુમલો થવાની 12 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી.

તાજેતરમાં થલતેજમાં વૃદ્ધ દંપત્તિની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી

તાજેતરમાં થલતેજમાં વૃદ્ધ દંપત્તિની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી

21 આરોપીઓને પોલીસ પકડી શકી નથી

ગુજરાતમાં જામનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 29 ,નર્મદામાં 20 ઘટનાઓ બની હતી જેમાં સિનિયર સિટીજનો પર હુમલા થયા હતાં. સિનિયર સિટીજનો પર હુમલો થવાની ઘટનામાં પોલીસે આખાય રાજ્યભરમાંથી કુલ મળીને 1335 ગુનેગારોને પકડી જેલ ભેગા કર્યા હતાં. જોકે, ગૃહ વિભાગે એ વાત કબૂલી છેકે, સિનિયર સિટીજન પર હુમલો કરનારાં 21 આરોપી હજુય પોલીસ પકડથી બહાર છે. પોલીસ આ આરોપીઓ ને પકડી શકી નથી.

હુમલો થવાની ઘટના બને ત્યારે પોલીસ જાગે છે

જયારે પણ સિનીયર સીટીઝન પર હુમલો થવાની ઘટના બને ત્યારે પોલીસ સફાળી જાગે છે અને એકલવાયુ જીવન ગાળતા વૃદ્ધોની કાળજી લેવા સુફિયાણી વાતો કરે છે અને પછી વો હી રફતાર. ટૂંકમાં ગુજરાતમાં સિનીયર સિટીજન પર હુમલો થવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હેબતપુરની ઘટનામાં ભલે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હોય પરંતુ એ સિવાયના અનેક વૃદ્ધો શહેરમાં એકલવાયુ જીવન જીવી રહ્યાં છે તેમની સુરક્ષાને લઈને પોલીસ શું પગલાં લે છે એતો સમય જ બતાવશે.

એકલા રહેલા વૃદ્ધોની મદદ આવશે પોલીસ

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા આગામી દિવસોમાં રાજયના શહેરોમાં જ્યાં વૃદ્ધો એકલા રહે છે. તેમની મદદ માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ અંગે રાજ્યના મોટા શહેરના પોલીસ કમિશનરને ડેટા એકત્ર કરવા અને એક પેપર પ્લાન રેડી કરવા સૂચના અપાઈ છે. જે અંગે અલગ અલગ પોલીસ કમિશનર દ્વારા સૂચના પણ અપાઈ ગઈ છે.

સિનિયર સીટીઝનનો ડેટા એકત્ર કરાશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શહેરમાં તાજેતરમાં સિનિયર સીટીઝનની હત્યાનો બનાવ ઘણો દુઃખદ ગણી શકાય તેવો છે. અમે હાલ સિનિયર સીટીઝનનો ડેટા એકત્ર કરી રહ્યા છીએ. તેમજ આગામી સમયમાં એકલા રહેતા સિનિયર સીટીઝનને કઈ રીતે મદદ થઇ શકે તે માટે એનજીઓ અને અન્ય સંસ્થા સાથે મળીને કામ કરીશું. આ અંગે ક્રાઇમબ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહએ જણાવ્યું છે કે અત્યાર સુધી શહેરના 5000 સિનિયર સીટીઝનનો ડેટા અમારી પાસે છે. તેમજ આગમી દિવસોમાં પોલીસ સ્ટેશન લેવલે પણ આવા એકલા રહેતા સિનિયર સીટીઝન મુદ્દે અમે કામગીરી કરવા માંગીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here