રસ્તા પર ભીખ માંગતા ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવે તો? માન્યામાં ના આવે પણ કંઈક આવી જ ઘટના આંધ્ર પ્રદેશમાં ઘટી છે જે નોતા જ પોલીસના પણ હોશ ઉડી ગયા હતાં.
આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના ગુંટજલમાં દરગાહની બહાર એક ભિખારીનું મોત થઈ ગયું. જેની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચેલી હતી. ભિખારી જે સ્થળે બેઠો હતો ત્યાં તેનો સામાન હતો. સામાનમાંથી રૂપિયાઓના બંડલ મળી આવ્યા હતા. આ ઉપરાંત પાસે રહેલી બેગમાં પણ રૂપિયા ભરેલા હતા. ભિખારીનો સામાન તપાસતાં તેની પાસેથી ઘણું બધું ચિલ્લર અને નોટો મળી આવી છે. પોલીસે જ્યારે આ રૂપિયાની ગણતરી કરતા આ રકમ ત્રણ લાખ 22 હજાર રૂપિયાથી વધુ હતા.
ભિખારીની ઓળખ બાશા તરીકે થઈ છે. બાશા છેલ્લા 12 વર્ષથી દરગાહની બહાર ભીખ માંગી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે કોઈએ ફોન કર્યો કે દરગાહની પાસે એક ભિખારીનું મોત થયું છે. સર્કલ ઇન્સપેક્ટર અનિલ કુમાર અને સબ-ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ રેડ્ડીએ કહ્યું કે તેઓએ પહેલા કોઈ ઓળખ પત્ર માટે બાશાની કપડાની બેગ તપાસી તો તેમાંથી ઘણી ચલણી નોટો મળી આવી.
પોલીસકર્મીઓએ જણાવ્યું કે, તેમને બેગમાં ઓળખ પત્ર તો ન મળ્યું પરંતુ વર્ષોથી ભેગી કરેલી નોટ અને ચિલ્લર મળી આવી. પોલીસે જણાવ્યું કે ભિખારીની પાસેથી 3,22,676 રૂપિયા મળી આવ્યા છે. આ રૂપિયા જોઈને લાગી રહ્યું છે કે ભિખારીએ ક્યારેય રૂપિયા ખર્ચ નહોતા કર્યા. સ્થાનિક લોકો કહે છે કે બાશા દુકાનદારો માટે ચિલ્લર એજન્ટ પણ હતો. જ્યારે કોઈને પણ 500ના છુટ્ટા જોઈતો હોય તો તે બાશા પાસેથી જ પાંચ અને એક રૂપિયાના સિક્કા લઈ જતા હતા.