વડોદરા : શહેરમાં કુલ 95 પોઝિટિવ કેસ થયા, ઓરેન્જ અને યલો ઝોનમાં 89 ટીમ સર્વે કરશે

0
12

વડોદરા. શહેરમાં કોરોનાના કેસ 95 પર પહોંચી ગયા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે શહેરને ચાર ઝોનમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઓરેન્જ અને યલો ઝોનમાં મૂકાયેલા વિસ્તારોનાં 25,986 ઘરોની 1.29 લાખની જનસંખ્યાના આરોગ્યની તપાસણી માટે 89 ટીમ કાર્યરત કરવામાં આવી છે.

રેડ ઝાનમાં સમીક્ષા શરૂ

શહેરના નાગરવાડા અને તાંદલજાને રેડ ઝોનમાં મૂકાયા બાદ તેની સાથે સંકળાયેલા અન્ય વિસ્તારોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જે અન્વયે શંકાસ્પદ કોરોનાના સંક્રમણવાળા વિસ્તારોની યાદી તૈયાર કરીને તેને ઓરેન્જ ઝોન નામ આપવામાં આવ્યું છે તો ગીચ વિસ્તારવાળા બીજા વિસ્તારોમાં તકેદારી રાખવા માટે યલો ઝોન નામ આપવામાં આવ્યું છે.

પાલિકાએ લોકોની યાદી તૈયાર કરી

પાલિકાએ વધુ તકેદારીવાળા ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ 6798 ઘરોના 37,813 લોકોની યાદી તૈયાર રાખી છે અને તેના માટે આરોગ્ય વિભાગની 34 ટીમને જવાબદારી આપી છે. જ્યારે તકેદારી રાખવાવાળા યલો ઝોનમાં સમાવિષ્ટ 19,188 ઘરોના 91,378 લોકોના આરોગ્યની તપાસણી માટે 55 ટીમને કામગીરી સોંપી છે. આ ટીમ બે દિવસમાં સરવે શરૂ કરીને પ્રાથમિક અહેવાલ તૈયાર કરશે.

મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ કરી

વડોદરા સહિત આઠ મહાનગરપાલિકાના મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે મુખ્યમંત્રીએ શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. જેમાં વડોદરામાં કેટલા બેડની વ્યવસ્થા છે તેવો સવાલ તેમણે કર્યો હતો. મેયર ડો.જિગીષાબહેન શેઠે શહેરને ચાર ઝોનમાં વહેંચ્યું હોવાની માહિતી આપી હતી અને ખાસ કરીને નાગરવાડા-તાંદલજા વિસ્તારની સ્થિતિના આંકડા આપ્યા હતા. તેમણે શહેરનાં મોટાં શાકભાજી માર્કેટ બંદ કરી 24 ટેમ્પા મારફતે શાકભાજીનું વિતરણ કરાતું હોવાની માહિતી પણ આપી હતી. મુખ્યમંત્રીએ સુરતમાં કારીગરોએ ગામ જવા દો અથવા કામ આપો તે માટે મચાવેલા તોફાનની પણ નોંધ લીધી હતી અને વડોદરામાં આવા પરપ્રાંતિય શ્રમજીવીઓ કશે જાય નહીં તેની વ્યવસ્થા કરવાની પણ ટકોર કરી હતી. તેમણે વડોદરાના મુખ્ય દસ લોકો દિવસમાં એક વખત વધુમાં વધુ 30 મિનિટ માટે મળીને શહેરની સ્થિતિ મામલે ચર્ચા કરે તેવું સૂચન કર્યું હતું અને જરૂર પડે વીડિયો કોન્ફરન્સ કરે તેવી પણ શીખામણ આપી હતી. મુખ્યમંત્રીએ મોબાઇલ ક્લિનિકનો ઉપયોગ મહત્તમ કરવા પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here