આ 10 ગેજેટ્સ અને એસેસરીઝ કારને ચોરી થવા નહીં દે, જોખમ હશે ત્યારે તરત માલિકને અલર્ટ પણ કરશે

0
0

કાર ખરીદ્યા બાદ મોટાભાગના લોકોને તેની ચોરી થવાનો ડર સતાવતો હોય છે. સમયની સાથે કાર નિર્માતાઓએ પોતાની કારમાં લેટેસ્ટ ફીચર્સ આપવાના શરૂ કર્યા છે. પરંતુ અત્યારે ઘણી કારમાં તે ઉપલબ્ધ નથી. જો ઘરે પાર્કિંગની વ્યવસ્થા નથી અને ગાડી દૂર ક્યાંક પાર્ક કરવી પડે તો ચોરી થવાનો ડર વધી જાય છે. ઘણી વખત તો ઘર અથવા ઓફિસની બહાર જ ગાડી ચોરી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમને પણ કાર ચોરી થવાનો ડર લાગતો હોય અને અને તેને સુરક્ષિત રાખવા માટે ઉપાય શોધી રહ્યા છો, તો એવી ઘણી એક્સેસરીઝ અને ગેજેટ છે જે તમારી કારને ચોરી કરવા દેશે નહીં….

1. કિલ સ્વિચ
કિંમતઃ 2000 રૂપિયા

કિલ સ્વિચ એક નાનું ડિવાઈસ છે, તેને બેટરી ડિસ્કનેક્ટ સ્વિચ પણ કહેવામાં આવે છે. તેને કારમાં એવી જગ્યાએ લગાવવામાં આવે છે, જ્યાં તે સરળતાથી દેખાતી નથી. આ સ્વિચ સીધી ગાડીની બેટરી અથવા ફ્યુલ પંપ સાથે કનેક્ટ હોય છે. ગાડી પાર્ક કરવા દરમિયાન જો તમે આ સ્વિચને ઓફ કરો છો તો ગાડીની બેટરી ડિસ્કનેક્ટ થઈ જાય છે અથવા ફ્યુઅલ પંપ ડિસ્કનેક્ટ થઈ જાય છે. આવું કરવાથી જો ચોર કારની અંદર ઘૂસી જાય તો પણ સ્ટાર્ટ નહીં કરી શકે. તેને ઈ-કોમર્સ સાઈટ અથવા એક્સેસરીઝની દુકાનમાંથી ખરીદી શકાય છે.

2. GPS ટ્રેકર
કિંમત: 1000 રૂપિયા

આ એક જોરદાર ડિવાઈસ છે. તે ન માત્ર ગાડી ચોરી થવાથી બચાવશે પરંતુ કોઈ કારણોસર ચોરી થઈ હોય તો કારને શોધવામાં પણ મદદ કરશે. તેની મદદથી ન માત્ર ગાડીનું લાઈવ લોકેશનને ટ્રેસ કરી શકાય છે પરંતુ ગાડીના કેટલાક ફીચર્સને પણ કંટ્રોલ કરી શકાય છે. જેમ કે, એપની મદદથી ગાડીનું એન્જિન ઓન-ઓફ કરી શકાય છે. જો ગાડી કોઈને આપી રાખી છે અને તમે ઈચ્છો છો કે ગાડી કોઈ નિશ્ચિત એરિયામાં રહે અને તેનાથી બહાર ન જાય તો, તમે એક ઈમેજિનરી જિયો બ્રાઉન્ડ્રી ક્રિએટ કરી શકો છો, આવું કરવાથી ગાડી જેવી બાઉન્ડ્રી બહાર જશે તરત તમારા ફોન પર અલર્ટ આવી જશે. તેનાથી ગાડીનું લાઈવ લોકેશન-સ્પીડ-રનિંગ અને માઈલેજ વિશે પણ જાણકારી મેળવી શકાશે. જો કે, વિવિધ GPS ટ્રેકરમાં અલગ ફીચર્સ હોય છે, આવી સ્થિતિમાં ખરીદતા સમયે રિસર્ચ કરી લેવું. તેને પણ ગાડીમાં એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાં સરળતાથી કોઈ જોઈ શકતું નથી.

3. વીડિયો મોનિટર
કિંમત: 700 રૂપિયા

આ ડેડિકેટેડ એન્ટિ થેફ્ટ ડિવાઈસ નથી અને ન તો તેને ગાડી ચોરી થતાં અટકાવવા માટે બનાવવામાં આવ્યું છે. તેને બાળકો પર ધ્યાન રાખવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ ઘણા લોકો તેનાથી પોતાની કારનું ધ્યાન રાખી રહ્યા છે. આ પ્રોડક્ટની સાથે કેમેરા આવે છે, જેને ગાડીની અંદર લગાવવામાં આવે છે અને એક ડિસ્પ્લે હોય છે, જેને તમે તમારી સાથે રાખી શકો છો. આ ડિસ્પ્લેમાં ગાડીની અંદરનો લાઈવ વીડિયો જોઈ શકાય છે, ફોટો ક્લિક કરી શકાય છે, રાત્રે સારા વ્યુ માટે તેમાં નાઈટ વિઝન પણ મળે છે. તે સાઉન્ડ સેન્સિટિવ છે, ગાડીની અંદર કોઈ પણ અવાજ આવે તો તે તરત એક્ટિવ થઈ જશે અને યુઝરને નોટિફાઈ કરશે, ત્યારબાદ ડિસ્પ્લેમાં ગાડીની અંદરનો લાઈવ વીડિયો જોઈ શકાય છે. તેનાથી તમે ઘરેબેઠાં ગાડીમાં બેઠેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. કેમેરા અને ડિસ્પ્લેમાં 800થી 1000 ફૂટ સુધીની રેન્જ મળે છે, તેથી તેને ખરીદતા પહેલાં રેન્જ જરૂરથી ચેક કરવી.

4. એન્જિન ઇમોબિલાઇઝર
કિંમતઃ 1500 રૂપિયા

હવે ઘણી ગાડીઓમાં કંપની તરફથી એન્જિન ઇમોબિલાઇઝર આપવામાં આવે છે પરંતુ હજી પણ ઘણી ગાડીઓમાં આ ફીચર ઉપલબ્ધ નથી. જો ગાડીમાં એન્જિન ઈમોબિલાઈઝર છે તો ગાડી કાર દરેક કીથી સ્ટાર્ટ થશે નહીં, માત્ર ઓરિજિનલ ચાવીથી જ સ્ટાર્ટ થશે. જો ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી લે છે તો પણ તે ગાડીને ઓન નહીં કરી શકે. ગાડીની ઓરિજિનલ ચાવીમાં એક ચિપ હોય છે, જે ગાડીમાં લગાવવામાં આવેલા ECU (એન્જિન કંટ્રોલ યુનિટ)ને સિગ્નલ મોકલે છે, આ સિગ્નલ વગર કાર સ્ટાર્ટ નથી થતી. તેને કોઈ સારી કાર એક્સેસરીઝની દુકાનમાંથી ખરીદવું વધારે સારું રહેશે, જ્યાં તેનું ઈન્સ્ટોલેશન પણ થઈ જશે.

5. વ્હીલ લૉક
કિંમતઃ 1000 રૂપિયા

આ લૉકને તમે ત્યારે જોયા હશે, જ્યારે ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરવા પર ટ્રાફિક પોલીસ કારમાં વ્હીલ લૉક લગાવે છે, આ લૉક પણ તેનાથી મળતું આવે છે. તે મેટલથી બનેલું હોય છે અને એકદમ મજબૂત હોય છે, તેને તોડવું અથવા કાપવું સરળ નથી. તેનો પ્લસ પોઈન્ટ એ છે કે, ગાડીની બહારથી જ દેખાઈ આવે છે, તેથી જો કોઈ ચોર તમારી કાર ચોરી કરવાનું પણ વિચારે છે, તો તે દૂરથી આ લોક જોઈને ચોરી કરવાનું માંડી વાળશે. જો કે તેનો ગેરલાભ એ છે કે આપણે દિવસ દરમિયાન ઘણી જગ્યાએ રોકાઈએ છીએ, આવી સ્થિતિમાં વારંવાર આ લૉકને લગાવવું થોડું મુશ્કેલ હોય છે, પરંતુ જો લાંબી રજાઓ પર જાવ છો અથવા ગાડીને આખો દિવસ એક જગ્યાએ પાર્ક કરો છો તો તમે તેને ખરીદી શકો છો.

6. સ્ટિઅરિંગ વ્હીલ લૉક
કિંમત: 600 રૂપિયા રૂપિયા

આ લૉક ઘણા પ્રકારની ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. તેમનું કામ સ્ટીયરિંગને લૉક કરવાનું છે અર્થાત તે સ્ટીયરિંગને ફરતાં રોકે છે. કેટલાક આ પ્રકારના લૉકમાં અલાર્મ ફીચર પણ મળે છે. જો કોઈ આ લૉક ઓપન કરવાનો પ્રયત્ન કરે છે તો અલાર્મ વાગે છે. માર્કેટમાં સ્ટિઅરિંગ સાથે બ્રેક અને એક્સીલેટર પેડલ લૉક પણ અવેલેબલ છે.

7. પેડલ લૉક
કિંમત: 700 રૂપિયા

સ્ટિઅરિંગ વ્હીલની જેમ પેડલ લૉક પણ બ્રેક અને એક્સીલેટર લૉક કરે છે. જો આ લૉક કારમાં લગાડ્યું હશે તો કોઈ પણ ચોર તમારી કાર ચોરી નહીં કરી શકે. આ તમામ લૉકમાંથી કોઈ એક લૉકનો પણ ઉપયોગ કરી શકાય છે. વધારે સેફ્ટી માટે તમે તમામ પ્રકારના લૉકનો ઉપયોગ કરી શકો છો.

8. હુડ લૉક
કિંમત: 500 રૂપિયા

ઘણી વખત ચોર જો આખી કાર ચોરી ન કરી શકે તો તેના એન્જિનનાં કેટલાક પાર્ટ્સ ચોરી કરે છે. તમારી કારના એન્જિન અને બેટરીને ચોરથી બચાવવા માટે હુડ લૉક સારો ઓપ્શન છે. તેનાથી ચોર ગમે તેવા પ્રયત્નો કરે તો પણ હુડ ઓપન નહીં કરી શકે.

9. ગિયર શિફ્ટ લૉક
કિંમત: 500 રૂપિયા

તમારી કારને સુરક્ષિત રાખવા માટે આ લૉક પણ કામનું છે. જો ચોર તમારી કારમાં એન્ટ્રી કરી પણ લેશે અને ભલે તેણે એન્જિન સ્ટાર્ટ કરી લીધું હોય પરંતુ ગિયર બદલ્યા વગર તે આગળ નહીં જઈ શકે. આ લૉક ઘણા મજબુત હોય છે. તેને તોડી કે કાપી શકાતા નથી.

10. સેન્ટ્રલ લૉક સિસ્ટમ
કિંમત 500 રૂપિયા

મોટા ભાગની કારમાં કંપની જ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ આપતી હોય છે, પરંતુ જો તમારી કારમાં આ સિસ્ટમ નથી તો તેને લગાવી શકાય છે. જોકે ઘણી વાર આ સિસ્ટમ હોય તો પણ કાર ચોરી થઈ જાય છે. તેથી તેના પર 100% ભરોસો કરી શકાય તેમ નથી.

નોંધ: આ તમામ કિંમતો સંભવિત છે, ઈ કોમર્સ સાઈટ અથવા લોકલ કાર એસેસરીઝ પર કિંમતો અલગ હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here