નવા વર્ષે ડેબ્યૂ કરી શકે છે આ 10 મોટરસાઇકલ : TVS પોતાની પહેલી ક્રૂઝર બાઇક લાવશે, જુઓ લિસ્ટ.

0
14

આવતા વર્ષે ભારતના ઑટો માર્કેટમાં અઢળક નવી ગાડીઓ લૉન્ચ થવા જઈ રહી છે. દ્વિચક્રિય બાઇક્સ પણ તેમાં પાછળ નથી. અલબત્ત, ઘણી બધી બાઇક્સની લૉન્ચની ચોક્કસ તારીખો જાહેર નથી કરાઈ, પરંતુ ઑટો નિષ્ણાતો 2021ના વર્ષમાં જે બાઇક્સ લૉન્ચ થવાની આશા રાખીને બેઠા છે તેવી બાઇક્સનું લિસ્ટ અમે અહીંયા પેશ કરી રહ્યા છીએ. આવો જોઈએ…

1. રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 350 (Royal Enfield Interceptor 350)

 • રોયલ એનફિલ્ડની આ અપકમિંગ મોટરસાઇકલ એકથી વધુ વખત ટેસ્ટિંગ દરમિયાન રસ્તાઓ પર સ્પોટ કરવામાં આવી ચૂકી છે. ટેસ્ટિંગ મૉડલ પરથી તેનાં ફીચર્સ વિશે ચોક્કસ માહિતી મળી શકે નહીં, પરંતુ લુક્સની બાબતમાં તે ઇન્ટરસેપ્ટર 650 જેવી જ લાગી રહી છે, પરંતુ સિંગલ સિલિન્ડર એન્જિન સાથે.
 • નિષ્ણાતો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે મિટિઓર 350 સાથે ડેબ્યુ થઈ ચૂકેલું 350 સીસી એન્જિન જ આ બાઇકમાં હશે.

2. નેક્સ્ટ જનરેશન રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 (Next-gen Royal Enfield Classic 350)

 • રોયલ એનફિલ્ડ પોતાના સૌથી લોકપ્રિય મોડલ ક્લાસિક 350નું નેક્સ્ટ જનરેશન મોડલ 2021માં લોન્ચ કરશે. નેક્સ્ટ જનરેશન મોડલમાં પણ ટ્રિપર નેવિગેશન જેવાં ફીચર્સ સાથે મિટિઓર 350 જેવું જ એન્જિન મળશે.
 • નવી રોયલ એનફિલ્ડ ક્લાસિક પોતાના જૂના મોડલની જેમ જ રેટ્રો ડિઝાઇન જાળવી રાખશે, પણ સાથોસાથ આ બાઇક સંપૂર્ણપણે આધુનિક હશે.

3. રોયલ એનફિલ્ડ 650 ક્રૂઝર (Royal Enfield 650cc Cruiser (KX650))

 • આ વર્ષની શરૂઆતમાં રોયલ એનફિલ્ડનું વધુ એક પ્રોટોટાઇપ મોડલ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું હતું. ટેસ્ટ મોડલમાં કોન્ટિનેન્ટલ જીટી અને ઇન્ટરસેપ્ટર 650 જેવું 650 સીસીનું એન્જિન હતું, પરંતુ એક ટ્રુ ક્રૂઝર મોટરસાઇકલની જેમ તેને ડિઝાઇન કરવામાં આવી હતી.
 • પહેલી નજરે તો આ બાઇક એકદમ નિયર પ્રોડક્શન મોડલ એટલે કે ઉત્પાદન માટે તૈયાર મોડલ જેવી જ લાગી રહી હતી. આનો અર્થ એ થયો કે આ 650 સીસી ક્રૂઝર બાઇક 2021ના વર્ષમાં લોન્ચ થશે.

4. હોન્ડા હાઇનેસ સીબી350 કેફે રેસર (Honda H’ness CB350 Cafe Racer)

 • હોન્ડાએ તાજેતરમાં જ ભારતીય બજારમાં રોયલ એનફિલ્ડને ટક્કર આપનારી પોતાની બાઇક શો કેસ કરી છે, જેને નામ અપાયું છે હાઇનેસ સીબી350. આ બાઇકમાં સંપૂર્ણપણે નવું એન્જિન અને ચેસિસ છે, જેને ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.
 • થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે હોન્ડા હાઇનેસની એક કેફે રેસર આવૃત્તિ પણ લૉન્ચ કરવાની તૈયારી થઈ રહી છે, જે સ્પોર્ટિયર અર્ગોનોમિક્સ અને થોડી બદલાયેલી સ્ટાઇલ સાથે રજૂ થઈ શકે છે. આ બાઇક થોડી મોંઘી હોય તેવી શક્યતા છે.

5. હોન્ડા હાઇનેસ સીબી400 (Honda H’ness CB400)

 • CB350ની એક કેફે રેસર આવૃત્તિ ઉપરાંત હાઇનેસ રેન્જ વિસ્તારવાની પણ હોન્ડાની યોજના છે.
 • અગાઉ દિવ્ય ભાસ્કર પર એ માહિતી અપાઈ ચૂકી છે કે હોન્ડા કંપની હાઇનેસ 400 સીસી વેરિઅન્ટ પર કામ કરી રહી છે, અને હવે તે આગામી વર્ષે લૉન્ચ થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.

6. ટીવીએસ ઝેપલિન (TVS Zeppelin)

 • ઑટો એક્સ્પો 2018માં ટીવીએસે પહેલીવાર પોતાની ઝેપલિન કન્સેપ્ટ બાઇક રજૂ કરી હતી. થોડાં અઠવાડિયાં પહેલાં જ સમાચાર આવ્યા છે કે કંપનીએ ઝેપલિન આર નામ ટ્રેડમાર્ક કરાવ્યું છે. તેના પરથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે કે ટીવીએસ કંપની આ બાઇકને ફાઇનલ ટચ આપી રહી છે. આવનારા થોડા જ સમયમાં આ બાઇકનું રોડ ગોઇંગ વર્ઝન પણ જોવા મળશે.
 • ટીવીએસ કંપનીની આ પહેલી ક્રૂઝર મોટરસાઇકલ હશે, અને તેમાં 220 સીસી એન્જિન (ઓરિજિનલ કન્સેપ્ટની જેમ જ) અથવા 310 સીસી મોટર (અપાચે આરઆર 310નું) ફિટ કરવામાં આવશે.

7. ટીવીએસ અપાચે આરટીઆર 310 (TVS Apache RTR 310)

 • અપાચે આરટીઆર 310નું એક નેકેડ વર્ઝન ટૂંક સમયમાં જ માર્કેટમાં આવવાનું છે, જેને મોટે ભાગે અપાચે આરટીઆર 310 નામ અપાશે. આરઆર 310માં એક શક્તિશાળી મોટર છે અને તે શાનદાર પર્ફોર્મન્સ અને હેન્ડલિંગ આપે છે. જોકે આ બાઇક મોંઘી છે.
 • આવનારું આ નેકેડ વર્ઝન તેની સરખામણીએ થોડું સસ્તું હશે અને વજનમાં હળવું હોવા ઉપરાંત એવી જ એક્સેસરીઝ અને ઇક્વિપમેન્ટ્સ સાથે આવશે, જેથી તે ખાસ્સો પ્રેક્ટિકલ વિકલ્પ બની રહેશે.

8 ટીવીએસ ફિએરો 125 (TVS Fiero 125)

 • ટીવીએસે પોતાની અપકમિંગ મોટરસાઇકલ માટે ફિએરો 125 નામ પણ ટ્રેડમાર્ક કરાવ્યું છે. વાચકોને ઓરિજિનલ ફિએરો બાઇક યાદ હશે જ, જેને 2000ના દાયકામાં ટીવીએસ અને સુઝુકીએ મળીને બનાવી હતી.
 • આ નવી ફિએરો 125 રેટ્રો સ્ટાઇલ સ્પોર્ટી કમ્પ્યુટર તરીકે પુનરાગમન કરી શકે છે અને લોન્ચ થયા બાદ અપાચે સિરિઝમાં નીચે ગોઠવાશે.

9. હીરો XF3R (Hero XF3R)

 • 2016ના ઑટો એક્સપોમાં હીરોએ XF3Rની કન્સેપ્ટ બાઇક રજૂ કરી હતી, જેમાં 300 સીસી એન્જિન બેસાડવામાં આવ્યું હતું.
 • ત્યાર પછી જોકે એ બાઇક લગભગ ગાયબ હતી. હવે હીરોએ 250-500 સીસીના સેગમેન્ટમાં પ્રવેશ કરવાની ઇચ્છા દાખવી છે, ત્યારે આશા રાખી શકાય કે XF3Rનું પ્રોડક્શન વર્ઝન પણ આ નવા વર્ષે માર્કેટમાં આવી જશે.

10. બજાજ પલ્સર RS 250 (Bajaj Pulsar RS 250)

 • આ વર્ષની શરૂઆતમાં બજાજ ઓટોએ ભારતીય માર્કેટમાં ડોમિનાર 250 લૉન્ચ કરી હતી. હવે માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે કે બજાજ ફુલ્લી ફેર્ડ 250 સીસી મોટરસાઇકલ પોતાની રેન્જમાં ઉમેરશે.
 • અત્યારે આશા રખાઈ રહી છે કે તે બાઇક આ પલ્સર RS 250 જ હશે. તેમાં RS 200 જેવી જ સ્ટાઇલ હશે, પણ ડોમિનાર 250નું એન્જિન હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here