મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલા પાવર હાઉસમાંથી તેમજ અન્ય સ્થળેથી ચોરી કરેલા 10 મોબાઈલ સાથે એલસીબી ટીમે બે રીઢા ચોરને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં વધતા ચોરીના બનાવોને અટકાવવા તેમજ ગુનાને અંજામ આપનાર ઇસમોને ઝડપી લેવા મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 10 સાથે પોલીસે બે ઇસમોને ઝડપી લીધા હતા અને મોબાઈલ બાબતે સઘન પૂછપરછ કરતા મોબાઈલ મોરબી તાલુકામાંથી અલગ અલગ સ્થળેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
જે મોબાઈલ ફોન બાબતે તપાસ કરતા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલા પાવર હાઉસમાંથી ચોરી કરેલી જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 10 કિંમત રૂ. 38,500નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લેવામાં આવ્યો છે. તેમજ આરોપી હાજી અકબર માણેક (ઉ.વ.23) અને એજાજ ઉર્ફે ફારૂક સલીમ ભટ્ટી (ઉ.વ.24)ને ઝડપી લીધા છે. જે ઝડપાયેલા આરોપી પૈકી હાજી માણેક નામનો ઇસમ ખુલ્લી ઓરડીમાં મકાન ખુલ્લું રાખી સુતા હોય ત્યારે રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો હતો. એલસીબી ટીમે બંને ઇસમોને ઝડપી લઈને મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.