વડોદરા : કોરોના વાઈરસનો ત્રીજો કેસ નોંધાયો, શ્રીલંકાથી આવેલા પુરૂષમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

0
21

વડોદરાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસનો વડોદરા શહેરમાં 24 કલાકમાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

52 વર્ષીય પુરૂષ 14 માર્ચે શ્રીલંકાથી પરત ફર્યો હતો

સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારનો 52 વર્ષીય પુરૂષ 14 માર્ચે શ્રીલંકાથી પરત ફર્યો હતો. અને તા.19 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં તપાસ માટે આવ્યો હતો. જેમાં કોરોના વાઇરસના લક્ષણો જણાઇ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તેના કોરોના વાઇરસના સેમ્પલો લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ 

શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અને આ 52 વર્ષિય પુરૂષ જે લોકોના સંપર્કમાં આવ્યો છે. તેવા 7 જેટલા લોકોને શોધીને તેઓનું પણ સ્ક્રિનિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે તેઓને ઘરમાંજ રહેવાની સલાહ આપવામાં આવી છે.

શુક્રવારે વડોદરામાં કોરોના વાઈરસના બે કેસ નોંધાયા હતા

ઉલ્લેખનિય છે કે, શુક્રવારે શ્રીલંકાથી આવેલી 62 વર્ષિય મહિલા અને સ્પેનથી પરત ફરેલા 49 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક જ દિવસમાં કોરોના વાઇરસના બે કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. દરમિયાન આજે ત્રીજો કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા વધુ કડક પગલાં ભરવામાં આવશે.

સયાજી હોસ્પિટલના તબીબોની તત્કાલિક બેઠક મળી

ત્રીજો કેસ પોઝિટિવ આવતાની સાથે જ સયાજી હોસ્પિટલના તબીબોની તત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહિવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા પણ બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ધારા-144નો કડક પણ અમલ કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રવાસીઓને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઇનમાં મૂકવાની સૂચના 

રાજ્ય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા વડોદરા શહેર-જિલ્લાના લોકોની યાદી વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને મોકલી આપી છે. જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને ઉપરોક્ત યાદીમાં નામ હોય તેવા તમામ લોકોને ફરજિયાત હોમ ક્વોરોન્ટાઇનમાં મૂકવા સૂચના આપી છે. આ પ્રવાસીઓ પૈકી જો કોઇ હોમ ક્વોરોન્ટાઇનનું પાલન ન કરતા હોય અને જિલ્લા કલેકટરની આ સૂચના માનવાનો ઇન્કાર કરે તો તેમને તાત્કાલિક અટકમાં લઇને હોમ ક્વોરોન્ટાઇનમાં મૂકવા અને તેમની સામે કાયદેસરના સખત પગલા લેવા શહેર-જિલ્લા પોલીસતંત્રને પણ સૂચના આપવામાં આવી છે.

હોમ ક્વોરોન્ટાઇન સ્વીકારવા અને તેનો ચુસ્ત અમલ કરવા કલેક્ટરની અપીલ 

વડોદરા જિલ્લા કલેકટરે તાજેતરમાં વિદેશ પ્રવાસ પૂરો કરીને આવ્યા હોય તેવા પ્રવાસીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આ સૂચનાના પાલનમાં સહયોગ આપવા અને સ્વૈચ્છિક રીતે સૌના હિતમાં હોમ ક્વોરોન્ટાઇન સ્વીકારવા અને તેનો ચુસ્ત અમલ કરવા ખાસ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here