ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ટેસ્ટ મેચ ક્રિકેટર કોકેઈનના સોદામાં દોષિત ઠર્યો છે. સિડનીની કોર્ટે ઓસ્ટ્રેલિયન સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલને કોકેઈન સોદામાં સંડોવણી હોવાના આરોપમાં દોષિત ઠેરવ્યો છે, પરંતુ ડ્રગ્સનો મોટાપાયે સપ્લાય કરવામાં તેની સંડોવણીના આરોપમાં તેને ‘ક્લિન ચિટ’ મળી ગઈ છે.
સિડની ડિસ્ટ્રિક્ટ કોર્ટની જ્યુરીએ 54 વર્ષીય ભૂતપૂર્વ લેગ સ્પિનરને એપ્રિલ 2021માં 330,000 ઓસ્ટ્રેલિયન ડોલરના એક કિલો કોકેઈનના સોદામાં તેની સંડોવણી બદલ દોષિત ગણાવ્યો છે. જો કે, તે ડ્રગ સપ્લાયમાં સામેલ હોવાના આરોપમાં નિર્દોષ સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો અનુસાર, કોર્ટે જ્યારે મેકગિલને દોષિત પુરવાર કર્યો ત્યારે મેકગિલના ચહેરા પર કોઈ ચિંતા દેખાતી નહોતી. હવે તેને આ મામલે આઠ સપ્તાહ બાદ સજા સંભળાવવામાં આવશે.
કોર્ટમાં થયેલી દલીલ અનુસાર, મેકગિલે સિડનીમાં તેની રેસ્ટોરન્ટમાં જ પોતાના નિયમિત ડ્રગ ડીલર સાથે તેના નજીકના સંબંધી મારિનો સોટીરોપોલોસનો પરિચય કરાવ્યો હતો. જો કે, મેકગિલ આ આરોપોને ફગાવતો આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ સોદાની મને કોઈ જાણકારી નથી. પરંતુ ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે તેની સંડોવણી વિના આ સોદો શક્ય જ ન હોત.
મેકગિલે પોતાના બનેવી મારિનો સોટિરોપોલોસની પોતાના રેગ્યુલર ડ્રગ સપ્લાયર સાથે મુલાકાત કરાવી હતી. આ બંનેએ એક કિલો કોકેઈન માટે 330000 ડોલરનો વ્યવહાર કર્યો હતો. આ બંનેની મુલાકાત મેકગિલની રેસ્ટોરન્ટમાં જ થઈ હતી. સ્ટુઅર્ટ મેકગિલ 44 ટેસ્ટ મેચો (1998-2008)માં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેણે 208 વિકેટ ઝડપી હતી. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 8/108 હતી.