આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ : પ્રથમ નર્સ ફ્લોરેન્સના માનમાં આ દિવસ મનાવાય છે, આજે તેમની 200મી જન્મજયંતી પર વાંચો ખાસ કિસ્સા

0
8

આધુનિક નર્સિંગના ફાઉન્ડર ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ઇટાલીના ફ્લોરેન્સમાં થયો. તેઓ ગણિત અને ડેટામાં જીનિયસ હતા. આ ખાસિયતનો ઉપયોગ તેમણે હોસ્પિટલોની સ્થિતિ અને લોકોનું આરોગ્ય સુધારવા માટે કર્યો. તેમણે જ્યારે પહેલી વાર નર્સિંગમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમના માતા-પિતા તૈયાર ન થયા. પછી તેમની જીદ આગળ ઝૂક્યા અને ટ્રેનિંગ માટે જર્મની મોકલ્યા. 1853માં ક્રીમિયા યુદ્ધ દરમિયાન તેમને તુર્કીની સૈન્ય હોસ્પિટલમાં મોકલાયા.

આ પહેલી વાર બ્રિટને મહિલાઓને સૈન્યમાં સામેલ કરી હતી. તેઓ બરાક હોસ્પિટલ પહોંચ્યા તો જોયું કે ફ્લોર પર સખત ગંદકી હતી. તેમણે સૌથી પહેલું કામ આખી હોસ્પિટલ સાફ કરવાનું કર્યું. સૈનિકો માટે સારા ભોજન અને ચોખ્ખા કપડાંની વ્યવસ્થા કરી. પહેલી વાર સૈનિકો તરફ આટલું ધ્યાન અપાયું. તેમની માગ પર બનેલી સમિતિએ નોંધ્યું કે તુર્કીમાં 18 હજાર પૈકી 16 હજાર સૈનિકના મોત ગંદકી અને ચેપી રોગોથી થયા હતા. ફ્લોરેન્સના પ્રયાસો થકી જ બ્રિટિશ સૈન્યમાં મેડિકલ, સેનિટરી સાયન્સ અને સ્ટેટિસ્ટિકલ વિભાગ બન્યા. હોસ્પિટલોમાં સાફસફાઇનું ચલણ તેમની જ દેન છે. આ હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં તેઓ હાથમાં મશાલ પકડીને દર્દીઓની સેવા કરતા હતા. તેથી ‘લૅડી વીથ ધ લેમ્પ’ નામથી મશહૂર થયા. આજે પણ તેમના માનમાં નર્સિંગની પ્રતિજ્ઞા હાથમાં લેમ્પ રાખીને લેવાય છે. આને નાઇટિંગલ પ્લેજ કહે છે. 1860માં બ્રિટનમાં તેમના નામથી નર્સિંગ સ્કૂલની સ્થાપના થઇ.

અંજલિ કુલાથે: કસાબનો સામનો કરનાર નર્સ હવે કોરોના વૉરિયર

26/11ના હુમલા વખતે આતંકી કસાબનો સામનો કરનાર અંજલિ કુલાથે કામા હોસ્પિટલમાં ક્વોરન્ટીન સ્ટાફનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ કહે છે કે હાલ 12 નર્સ ક્વોરન્ટીન છે. તેમના ખાવા-પીવાથી માંડીને સ્વેબ ટેસ્ટ કરાવવાનું ધ્યાન રાખવાનું હોય છે. તેઓ નિરાશ ન થાય તે માટે તેમને પોઝિટિવ રાખવા મોટિવેશનલ કિસ્સા સંભળાવું છું. તેઓ મારી પાસેથી મુંબઇ હુમલા વખતના કિસ્સા પણ સાંભળે છે. તે વખતે અંજલિએ 20 સગર્ભાને બચાવી હતી. તે દિવસને યાદ કરતા તેઓ કહે છે કે, અચાનક ગોળીઓ ચાલવા લાગી. મેં બહાર નજર કરી તો જોયું કે જે. જે. સ્કૂલ આૅફ આર્ટવાળા રોડ પર બે આતંકી ફાયરિંગ કરતા કરતા દોડી રહ્યા હતા. મેં વોર્ડના બધા દર્દીઓને ભેગા કરવાનું શરૂ કર્યું. એક મહિલા બાથરૂમમાં હતી. તેને લેવા દોડી. આ દરમિયાન આતંકીઓ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા. બે ગોળી મારી નજીકથી પસાર થઇ, જેમાંથી એક સર્વન્ટને વાગી. હું તે મહિલાને લઇને વોર્ડ તરફ ભાગી. મેં બધાને એક પેન્ટ્રીમાં છુપાવી દીધા. બાદમાં પોલીસે કસાબની ઓળખ કરવા મને બોલાવી. મેં પહેલી વાર તેને ઓળખ્યો ત્યારે તે હસવા લાગ્યો અને બોલ્યો- હા મેડમ, હું અજમલ કસાબ છું. તેઓ કહે છે કે હોસ્પિટલમાં આવ્યા બાદ ઘર કે પરિવાર નહીં પણ દર્દી જ સર્વસ્વ છે.

માર્ગેટ થેપલી: 84ની વયે પણ કોરોનાના દર્દીઓને જોવાનું સાહસ

આ કહાની 84 વર્ષનાં નર્સ માર્ગેટ થેપલીની છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારાં તેઓ વિશ્વના સૌથી વયોવૃદ્ધ નર્સ છે. બ્રિટનની વિટની કોમ્યુનિટી હોસ્પિટલમાં માર્ગેટ નાઇટ શિફ્ટમાં સતત કામ કરતાં રહ્યાં અને કોરોના દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઇ ગયાં. તેમને સોશિયલ મીડિયા પર સૌથી વધુ મહેનતુ, કેરિંગ અને પરિપૂર્ણ મહિલા તરીકે યાદ કરાઇ રહ્યાં છે. કોરોના વૃદ્ધો માટે સૌથી ઘાતક પૂરવાર થઇ રહ્યું છે. માર્ગેટ પાસે પણ વિકલ્પ હતો કે તેઓ પોતાની ફરજથી મુક્ત થઇ શક્યાં હોત. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો. ડોક્ટર અને સાથી કહે છે કે તેઓ વોર્ડમાં સૌથી લોકપ્રિય હતાં. હોસ્પિટલ ચીફ એક્ઝિક્યૂટિવ સ્ટૂઅર્ટ વેલ કહે છે કે હું મારા કરિયરમાં જેટલી મહિલાઓને મળ્યો છું, માર્ગેટ તેમાં સૌથી વધુ પ્રભાવશાળી હતાં. મેં મારા જીવનમાં તેમનાથી વધુ સશક્ત મહિલા જોઇ નહીં. તેઓ આ વયમાં પણ નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યાં હતાં. તેઓ સમર્પણનું ઉદાહરણ હતાં અને હોસ્પિટલના લોકોને પરિવારનો હિસ્સો માનતાં હતાં. માર્ગેટના પૌત્ર ટોમ વુડ કહે છે કે મને મારી દાદી પર ગર્વ છે. તેમને જોઇને જ હું પણ નર્સ બન્યો. તેમણે તો બહુ પહેલાં રિટાયર થઇ જવાનું હતું. પરંતુ તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું હતું.

ડોક્ટરની નજરમાં: નર્સ બહુ વધારે દુ:ખ સહન કરે છે, દર્દીથી પણ વધુ

થોડા દિવસ પહેલાં ડાઉન સિંડ્રોમ અને કોરોનાથી પીડિત પોતાના દર્દીને જોવા આઇસીયુમાં ગઇ હતી. મેં જોયું કે બારીમાં બહુ સુંદર ડોલ મૂકેલી છે. જાણવા મળ્યું કે દર્દીનું મન રાખવા માટે આ ડોલ નર્સ લાવી હતી. હું અહીં 600 બેડની બ્રુક યુનિવર્સિટી હોસ્પિટલમાં એનેસ્થિયાલોજિસ્ટ છું. આ લોન્ગ આઇલેન્ડની સૌથી મોટી હોસ્પિટલ છે. તેને હવે કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાઇ છે. મારું કામ આઇસીયુમાં દર્દીઓને બ્રિથિંગ ટ્યૂબ લગાવવાનું અને વેન્ટિલેટર પર નાંખવાનું છે.મારી સાથે નર્સિંગ સ્ટાફ પણ હોય છે. દર્દી અંગે બેઝિક માહિતી નર્સથી જ મળે છે. ડોક્ટર તો આઇસીયુ કે વોર્ડમાં આવતા જતાં રહે છે. તેઓ મગજથી દર્દીની સારવાર કરે છે. પરંતુ અસલી હીરો નર્સ હોય છે. આઇસીયુ હોય કે ફ્લોર ચારે બાજું પીપીઇ કિટ અને માસ્ક લગાવેલ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દેખાય છે. નર્સો સૈનિકોની જેમ દિવસ રાત કામ કરી રહી છે. મોટા-મોટા હોલમાં વેન્ટિલેટર જ વેન્ટિલેટર, ચારે બાજુ બ્રિથિંગ ટ્યૂબ, બીપ-બીપના અવાજો, દર્દીઓના ઉખડતા શ્વાસ, ઇન્ફેક્શનનું જોખમ. દર્દી ક્યારેક ગુસ્સે થાય છે. તો ક્યારેક રડતા હોય છે. કોઇના શરીરે સોજો તો કોઇની કિડની ફેલ થઇ ગઇ છે. નર્સ તેમની બેડશીટ બદલી રહી છે, સફાઇ કરી રહી છે, તેમને ભોજન આપી રહી છે. તેમની વાત પરિવારજનો સાથે કરાવી રહી છે. દર્દીઓ માટે અહીંથી તહીં ભાગી રહી છે. ક્યારેક કોઇ દર્દીને ડ્રિપ લગાવવી છે, દવા આપવી છે, ઇન્જેક્શન આપવાનું છે, દર્દીઓને જોવા ભાગી રહી છે.-ન્યૂયોર્કથી ડૉ. તાઝીન બેગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here