કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે નવા નવા ફલાય ઓવરબ્રિજ બાંધવામાં આવી રહ્યા છે પરંતુ આનાથી શહેરના ટ્રાફિક જામની સ્થિતિમાં શું ફેર પડશે તેનો સર્વે તંત્રએ કરાવવાની જરૂર છે. કેમ કે ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજથી ઉસ્માનપુરા ચાર રસ્તા પર ટ્રાફિક જામ થશે એટલે સમગ્ર પ્રોજેકટ ચર્ચાસ્પદ બન્યો છે.
તંત્ર દ્વારા વર્ષ ર૦૧રમાં કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર) પાસે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ક્યાં બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બાંધી શકાય તે માટે જુદા જુદા ટ્રાફિકના જંકશન પર સર્વે કરાયો હતો. કેન્દ્રની આ સંસ્થાએ નવેમ્બર ર૦૧રમાં શહેરનાં ૩૪ જંકશનનો સર્વે કર્યો હતો જેમાં આ જંકશનોને ત્રણ ભાગે વહેંચી દેવાયા હતા અને સર્વેના પહેલા ભાગમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતાં ૧૭ જંકશન દર્શાવાયાં હતાં.
પહેલા ભાગમાં પ્રથમ નંબરે હેલ્મેટ જંકશનને દર્શાવી ત્યાં ફલાય ઓવરબ્રિજ બાંધવાનું સૂચન કરાયું હતું. પરંતુ તંત્રએ સર્વે કર્યા બાદ પહેલો બ્રિજ આઇઆઇએમ ચાર રસ્તા પર બાંધ્યો હતો. જેની પ્રાયોરિટી પહેલા ૧૦ ફલાય ઓવરબ્રિજમાં પણ ન હતી. આઇઆઇએમ બ્રિજ બંધાયા પછી અંધજનમંડળ ચાર રસ્તા પર ટ્રાફિક ઘટ્યો નથી.
વસ્ત્રાપુર ગામતળના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધવાથી અહીંના રોડને ર૪ મીટર પહોળો કરવાની ફરજ પડવા છતાં પણ ટ્રાફિક જામની સ્થિતિ યથાવત્ છે. આવી જ સ્થિતિ બાપુનગરના દિનેશ ચાર રસ્તા પર બંધાયેલા ફલાય ઓવરબ્રિજથી ઉદ્દભવી છે. આ ફલાય ઓવરબ્રિજનો બાપુનગર ચાર રસ્તા તરફ ઊતરતા છેડા પર દિનેશ ચેમ્બર ચાર રસ્તા જેટલો ટ્રાફિક થવા લાગ્યો છે.
ઇન્કમટેકસ ચાર રસ્તા પર આગામી ૩જી જુલાઇથી ફલાય ઓવરબ્રિજ કાર્યરત થશે કે ઉસ્માનપુરા ચાર રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે. ક્યાંક ફલાય ઓવરબ્રિજ બાંધવામાં સ્થાપિત હિતોને સાચવવાનાં કારણે આખાને આખા પ્રોજેકટની ડિઝાઇન બદલાઇ જાય છે અથવા તો તેને પડતો મુકાય છે.