આગાહી : આ વખતે શિયાળો હોળી સુધી લંબાઈ શકે છે, આગામી બે સપ્તાહમાં 4 ડિગ્રી તાપમાન ઘટશે, દિવાળી સુધીમાં ઠંડી વધશે

0
3

ધરતીના એક મોટા હિસ્સામાં ઝડપથી હવામાન બદલાઈ રહ્યું છે. દેશમાં પણ પવનની દિશા બદલાવા લાગી છે. નીચા દબાણવાળા ઉત્તરીય ક્ષેત્રમાં હવે ઊંચા દબાણને કારણે પવનની ઝડપ વધી છે. સૂકો, ઝડપી પવન શરૂ થયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાત્રે તાપમાન ઘટવા માંડ્યું છે. આકાશ સ્વચ્છ થવાથી હવે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થાય છે.

હવામાન વિજ્ઞાનીના જણાવ્યા મુજબ સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આવું જ હવામાન રહેશે. ઘણા વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી સુધી ઓછું રહી શકે છે. મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાથી પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થશે. એટલું જ નહીં ઉત્તર દિશામાંથી ઠંડા પવનને કારણે દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસ પણ જોવા મળશે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે. આથી શિયાળો હોળી સુધી લંબાઈ શકે છે. ઠંડીની તીવ્રતા પણ વધવાની શક્યતા છે. આ કારણે ચોમાસામાં વરસાદ પણ સામાન્ય કરતા વધારે થયો છે. જ્યારે અલ નીનોની સ્થિતિમાં આનાથી ઊલટું થાય છે.

હવામાન વિભાગના ડીજી ડૉ. મૃત્યુંજય મહાપાત્ર કહે છે કે જળવાયુ પરિવર્તનની દુનિયાભરમાં અસર જોવા મળે છે. નવેમ્બરના અંતે આગામી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરાશે.

આ રીતે ઠંડી વધશે: આગામી બે સપ્તાહમાં 4 ડિગ્રી તાપમાન ઘટશે, દિવાળી સુધીમાં ઠંડી વધશે વિજ્ઞાની મહેશ પાલાવત કહે છે કે દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યારપછી દરેક સપ્તાહે 1થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે હિમવર્ષા થશે. આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે.

ચોમાસા અને ગરમીનો એક જ ક્ષેત્રમાં અલગ-અલગ પ્રભાવ
હવામાન વિજ્ઞાની ડૉ. ડી.એસ. પાઈ કહે છે કે જળવાયુ પરિવર્તનથી એક્સ્ટ્રીમ ઇવેન્ટ વધી છે. ચોમાસા અને ગરમીના એક જ ક્ષેત્રમાં અલગ-અલગ પ્રકારના પ્રભાવ જોવા મળે છે. એક હિસ્સામાં ભારે વરસાદ તો બીજા હિસ્સામાં દુકાળ. શિયાળામાં પણ આવું જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here