વીર શહીદ સંજય સાધુની પત્નીએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી, હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા

0
0

વડોદરાઃ આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળશે અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચશે જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે.

મોડી રાત્રે સંજય સાધુનો પાર્થિવદેહ વડોદરા લવાયો
શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો સંજય સાધુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની શહાદતને બિરદાવવામાં આવી અને શહીદ તુમ અમર રહોના નારાથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

સાસંદ, મેયર સહિતના રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી
એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો.

 

શહીદની માતા અને પત્નીને સલામ કરૂ છું
વીર શહીદ જવાનના અંતિમ દર્શન માટે પહોંચેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન વીર શહીદ જવાનની આત્માને શાર્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. દેશની સુરક્ષા માટે પોતાના પુત્રને મોકલનાર માને હું સલામ કરૂ છું. પોતાના પતિને સુરક્ષા માટે મોકલનાર પત્નીને પણ હું સલામ કરૂ છું. આખા પરિવારને હું અભિનંદન આપુ છું. અને સંજયભાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.

નવ વર્ષ પહેલાં આર્મીમાં જોડાયા હતા
મંગળવારે કલેકટર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંજય સાધુના વડોદરા સ્થિત નિવાસસ્થાને જઇને પરિવારજનોને સાંત્વના આપી હતી. જિલ્લા કલેક્ટર તેમના નિવાસ સ્થાને એક કલાક જેટલા સમય માટે રોકાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ તેઓ ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર પોતાની ફરજ બજાવતા શહીદ થયા છે, તેમણે પોતાનું સર્વસ્વ નૌચ્છાવર કર્યું છે. અમે તેમના પરિવાર સાથે જ છીએ અને તમામ પ્રકારની મદદ કરીશું.’ શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ મંગળવારે રાત્રે વિમાનમાર્ગે વડોદરા એરપોર્ટ ખાતે લવાશે અને ત્યારબાદ રાત્રે એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાશે. ત્યારબાદ સવારે બીએસએફ તંત્રને સુપરત કરાશે. સંજય સાધુ નવ વર્ષ પહેલા પીએસઆઇ તરીકે બીએસએફમાં જોડાયા હતા અને પ્રમોશન બાદ પીઆઇ તરીકે કાર્યરત હતા. સિલીગુડીથી 6 કિમી દૂર પશુ તસ્કરી કરતા ગિરોહને પકડકારવા જતાં નજીક પાણીના નાળામાં પડી ગયા બાદ તેઓ ખેંચાઇ ગયા હતા.

આર્મી જોઇન કરવા આકરી તૈયારીઓ કરી હતી
શહીદ સંજય સાધુના મિત્રોએ વાતચીતમાં જણાવ્યું કે, તેમને લશ્કરમાં જવાની મહેચ્છા હતી. તેઓ 400 મીટર ગ્રાઉન્ડના એક સાથે 10 ચક્કર લગાવતા હતા. તે ખૂબ જ મિલનસાર સ્વભાવનો અને જરૂર હોય ત્યારે મદદ માટે તૈયાર રહેતો હતો. તેમના વિજય રોહીત નામના મિત્રે જણાવ્યું કે, ‘ આજે સંજય નથી એ માનવું કલ્પના બહારનું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here