અમદાવાદ : સાબરમતીમાં જુગારના અડ્ડાઓ બંધ નહીં થાય તો આત્મવિલોપનની ધમકી : ઈમેલથી નનામી અરજી.

0
0

કેટલાક વિસ્તારોમાં પોલીસની રહેમનજર હેઠળ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આરોપ સાથે પોલીસમાં નનામી અરજીઓ કરી અને આપઘાત-આત્મવિલોપનની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ છેલ્લા એક મહિનાથી સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢી, સુરેશ ગેડિયા અને અન્ય શખસો જુગારના અડ્ડા ચલાવે છે અને MS નામનો પોલીસ કર્મચારી તેમાં ભાગીદાર છે. આ ધંધા બંધ નહીં થાય તો કમિશનર ઓફિસ સામે આત્મવિલોપન કરીશ એવી ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. આજે પણ તેવી અરજી મળતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. અમદાવાદ પોલીસને જુગારના અડ્ડાઓ બંધ કરવાં આત્મવિલોપનની અરજી કરનાર શખસ ઈમેલથી અરજી કરી છે અને અરજી બાદ સામે આવતો નથી, પોલીસ પણ આ વ્યક્તિ સુધી પહોંચી શકી નથી. સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં અમદાવાદ કે ગુજરાત પોલીસ આ વ્યક્તિને શોધી શકી નથી.

એક જ મહિનામાં બેથી ત્રણ વાર અરજીઓ આવે છે

નનામી અરજીને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસને હાજર રહેવું પડ્યું હતું. એક મહિનામાં બેથી ત્રણ વાર અરજીઓ આવતા પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડને હાજર રહેવું પડે છે. જો કે અરજી કરનાર શખ્સ નામ સરનામું પોલીસ પાસે નથી અને ઓળખ નથી તેના કારણે આખો દિવસ પોલીસ અને ફાયરબ્રિગેડનો સમય બગડે છે. શું ખરેખર વિસ્તારમાં જુગારના અડ્ડાઓ ચાલે છે કે પછી પોલીસને હેરાન કરવાની આ વૃત્તિ છે તેના પર સવાલ ઉભો થાય છે.

જુગાર ચાલતો હોવાની ગૃહવિભાગને ઈમેલથી અરજી કરી હતી

કોઈ અજાણી વ્યક્તિ ગાંધીનગર ગૃહવિભાગમાં ઈમેલ કરી અને અરજી કરે છે કે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં જ્વાહરચોક ગુરુદ્વારા પાછળ રબારી વસાહત સામે ખુલ્લા મેદાનમાં અને જવાહરચોક મ્યુનિસિપલ સ્કૂલ પાસે નાળા નજીક સુરેશ ગોડિયા ઘરમાં મોટા પાયે સટ્ટો, ચકલી પોપટનો જુગાર ચલાવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં જુગાર બંધ થતો નથી કારણકે MS નામનો પોલીસ કોન્સ્ટેબલ ભાગીદાર છે. જુગાર ચલાવનાર બાબુ દાઢી, ચેતન ચાવડા, ગુગો, વિશાલના જુગારના ધંધા બંધ નહીં થાય તો પોલીસ કમિશનર ઓફિસ પાસે આત્મવિલોપન કરીશ.

ઈમેલમાં તારીખ અને વાર સાથે આત્મવિલોપનની ચીમકી

આત્મવિલોપન માટે તારીખ અને વાર સાથે નનામી અરજી કરતા અરજદાર આત્મવિલોપનનું પગલું ન ભરે તેના માટે જરૂરી તકેદારી રાખવા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવે છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર ઓફિસ બહાર જે દિવસે આત્મવિલોપન કરવાની તારીખ અરજી હોય એ દિવસે પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડની ટીમને હાજર રાખવામાં આવે છે. બે થી ત્રણ વાર આ રીતે અરજી કરવામાં આવી છે જેના કારણે ફાયર અને પોલીસ મોડી સાંજ સુધી ત્યાં હાજર રહે છે. નનામી અરજી કરનાર શખ્સ અરજી કર્યા બાદ હજી સુધી ત્યાં આવ્યો નથી અને પોલીસ પણ તેને શોધી શકી નથી.

અરજી કરનાર પોલીસ સામે આવતો નથી

અમદાવાદ પોલીસને જુગારના અડ્ડાઓ બંધ કરવાં આત્મવિલોપનની અરજી કરનાર શખ્સ ઈમેલથી અરજી કરે છે અને અરજી બાદ આવતો નથી. છતાં પોલીસ આ વ્યક્તિ સુધી પહોંચી શકી નથી. સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતાં અમદાવાદ કે ગુજરાત પોલીસ આ વ્યક્તિને શોધી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here