ગાંધીનગર- અમદાવાદમાં બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય? ગાંધીનગરના સેક્ટર 5-Cમાં ત્રણ પ્રયાસ, ગોતામાં બાળકીનું અપહરણ

0
0

રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં નાના બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઇ ગાંધીનગર અને અમદાવાદના લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગરમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ હોવાના દાવા સાથે સેક્ટર-7 સ્ટેશનમાં એક અરજી થઈ છે. જ્યારે અમદાવાદમાં ગોતા હાઉસિંગ સાત વર્ષની બાળકીનું અપહરણની ઘટના બની છે. જેમાં ત્રણ દિવસ થવા છતાં પણ બાળકીનો અત્તોપત્તો નથી. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી SOG અને LCBને શોધખોળમાં લગાડી
ગાંધીનગર DySP એમ.કે.રાણાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સેક્ટર 5ના રહીશોએ બાળકોને બપોરથી સાંજના સમયે ઉઠાવી જતા હોવાની અરજી આપી છે. જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને PCR વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. SOG અને LCBની ટીમને પણ તપાસમાં લગાડી છે અને જિલ્લામાં મેસેજ આપવામાં આવ્યો છે કે, સફેદ કલરની નંબર વગરની બાઇક જોવા મળે તો જાણ કરવી. સીસીટીવી ફૂટેજ અંગેની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ આવી બાઇક જોવા મળી નથી.

ગાંધીનગરમાં બાળકોને લાલચ આપી અપહરણના પ્રયાસ કરાયાની અરજી
ગાંધીનગર સેક્ટર 5- સી વિસ્તારમાં રહેતા માનસિંહ રાવ સહિત 7 જેટલા રહીશોએ ઘરની બહારથી બાળકોને લલચાવી અપહરણ કરવાના પ્રયાસ અંગે અરજી કરી છે. જેમાં દાવો કરાયો છે કે, તેમના વિસ્તારમાંથી ચાર દિવસમાં બાળકો ઉઠાવવાના ત્રણ પ્રયત્નો થયા છે. બાળકો ઉઠાવવાના પ્રયત્નોને પગલે રહીશોમાં ભય ફેલાઈ ગયો છે. તેમણે સમગ્ર મુદ્દે પોલીસનું રક્ષણ માગ્યું છે. સોલા વિસ્તારમાં 7 વર્ષની ખુશી નામની બાળકી ત્રણ દિવસથી ગાયબ છે અને હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. સોલા પોલીસ અને ક્રાઈમની ટીમો તપાસ કરી રહી છે પરંતુ કોઈ કડી મળી રહી નથી.

મોંઢે રૂમાલ બાંધી પોલીસ જેવું જ સફેદ બાઈક લઈ બાળક ઉઠાવનાર નીકળે છે
આ ઘટના અંગે સ્થાનિકોને પૂછતાં જણાવ્યું કે, આ બાળક ઉઠાવનારી ગેંગ પોલીસ જેવું જ સફેદ બાઈક લઈ આવે છે તેમજ તેઓ આંખે, મોઢે રૂમાલ બાંધી રાખે છે અને ચશ્મા પહેર્યા હોવાથી ઓળખી શકાતા નથી. બાળકોને અલગ અલગ લાલચ આપે છે. રસ્તો અને ઘર પૂછવાના બહાને નજીક બોલાવી લે છે અને પછી અપહરણનો પ્રયાસ કરે છે.

બનાવ – 1: બેબીની ખેંચી પરંતુ 12 વર્ષના છોકરાએ બૂમાબૂમ કરી
10મી સપ્ટેમ્બરે સેક્ટર- 5સી ખાતે રામનિવાસ રામચંદ્રન મિસ્ત્રીના ઘર આગળ તેમની બેબી અને અન્ય બાળકો રમતા હતા. ત્યારે પ્લોટ નં 908/1 પાસે સફેદ યામાહા બાઈક પર બે યુવાન આવ્યા હતા. તેમણે બેબીને પકડીને ખેંચી હતી પરંતુ તેમના 12 વર્ષના છોકરાએ બૂમાબૂમ ખેંચી હતી, પરંતુ તેમના બાર વર્ષના દીકરાએ બાળકીને પોતાના તરફ ખેંચી હતી. પરંતુ તેમના 12 વર્ષના છોકરાએ તેને પકડી રાખીને બૂમાબૂમ કરતાં બંને યુવકો ભાગી ગયા હતા.

બનાવ – 2: બાઈક પર બેસી જવા કહી મંદિર બતાવવા કહ્યું, રેકી કરતા
11મી સપ્ટેમ્બરે પ્લોટ નં-912-એ-1 ખાતે રહેતાં નરેશભાઈ ગઢવીનો આશરે 13 વર્ષનો દીકરો રમતો હતો. ત્યારે બપોરે 3.50થી 4.00ના સુમારે તે જ બાઈકવાળો આવ્યો હતો અને થોડે દૂર ઊભા રહી કિશોરને બોલાવ્યો હતો. જેમાં તેઓએ મંદિરનું નામ લીધું હતું કે, તું બાઈક પાછળ બેસી જા અને બતાવ. જોકે કિશોર મેં જોયું નથી કહીંને ઘરમાં આવી ગયો હતો. કિશોર ઉપરના માળે વાંચતો હતો ત્યારે બંને શંકાસ્પદો આજુબાજુના ઘરોમાં બારી-બારણાં જોઈ રેકી કરતાં હતા.

બનાવ – 3:ફ્રોક પકડી પાછળથી ખેચ્યું એટલે બાળકીએ બૂમ પાડતા નાસ્યા
13 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યાના સુમારે માનસિંહ રાવની 10 વર્ષની પૌત્રી દુકાને મહેંદી લેવા માટે ગઈ હતી. તે પરત આવતી હતી ત્યારે ઘરની બહાર જ સફેદ મોટરસાઈકલવાળો ધસી આવ્યો હતો. તેણે બાળકીને ઘરના દરવાજા આગળ ઊભી રાખીને પૂછ્યુ હતું કે, સેક્ટર-5સી આ જ છે. બાળકીએ હા પાડી અને તે ગેટની અંદર દાખલ થતી હતી ત્યારે પાછળથી ફ્રોક પકડીને ખેંચ્યુ હતું. જો કે,બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરી નાખી હતી. બાળકી બૂમો પાડતા પડોશી નરેશભાઈ દોડી આવ્યા હતા જેને પગલે સફેદ કલરનું બાઈક લઈને આવેલા બંને યુવકો ભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here