સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના એસટી ડેપોથી આજથી ત્રણ એસટી બસો મુસાફરો માટે શરુ કરવામાં આવી છે.આ ત્રણ એસટી બસોને હિંમતનગરના ધારાસભ્યએ લીલી ઝંડી આપી એસટી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર એસટી વિભાગીય કચેરીને 2×2ની 3 લક્ઝરી બસ અને 21 મીની એસટી બસ ફાળવવામાં આવી હતી. જેને લઈને એસટી વિભાગીય કચેરી દ્વારા સાબરકાંઠાના ચાર અરવલ્લીના ત્રણ અને ગાંધીનગરના એક એસટી ડેપો મળી આઠ ડેપોમાં ફાળવણી કરવામાં આવી હતી. જેમાં હિંમતનગર એસટી ડેપોમાં ત્રણ મીની એસટી બસ ફાળવી હતી. જે પૈકી એક બસને ગુરુવારથી હિંમતનગરથી રતનપુર અને રતનપુરથી કડી રૂટ પર, બીજી મીની એસટી બસને હિંમતનગરથી મહેસાણા અને ત્રીજી મીની એસટી બસને હિંમતનગરથી કપડવંજ એમ ત્રણ રૂટો શરુ કરવામાં આવ્યા છે.
ત્યારે ગુરુવારે હિંમતનગર એસટી ડેપો ખાતે નવીન ત્રણ એસ.ટી.ની મીની બસોનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી લોકાર્પણ હિંમતનગરના માનનીય ધારાસભ્ય વી. ડી.ઝાલાએ કર્યું હતું. ત્યારબાદ એસટી સ્ટેશન પર મુસાફરો સાથે સરકારી સવલતો વિશે પણ મુસાફરોને વાતો કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના પ્રમુખ યતિનબેન મોદી, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, પાલિકાના સદસ્ય શશીભાઈ સોલંકી, જાનકીબેન રાવલ, રાજેન્દ્રસિંહ પઢિયાર, હિંમતનગર એસટી વિભાગીય કચેરીના DC એચ.એસ.જોશી, પી.વી.ચૌધરી, હિંમતનગર એસટી ડેપો મેનેજર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.