સુરત સિવિલના ઇતિહાસમાં બીજીવાર રેર બીમારીની ત્રણ કલાક સર્જરી, મહિલાના ગળાના ભાગમાંથી ગાંઠ કાઢી

0
35

સુરતઃ હાડકાની ગંભીર બીમારીથી પીડિત ભાવનગરની વૃદ્ધાની જટિલ સર્જરીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું છે. લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય અને હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય ત્યારે હાઇપરપેરાથાઇરોઇડીસમ નામની બીમારી થતી હોવાનું સિવિલ હોસ્પિટલના ડો. દિવ્યાંગ દવે એ જણાવ્યું છે. આ બીમારી ખૂબ રેર એટલે કે, લગભગ 10 હજાર દર્દીઓમાં એકને થતી બીમારી કહી શકાય છે. વૃદ્ધા છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીની ગાંઠ સાથે જીવન જીવતા હોવાની હિસ્ટ્રી હતી. વૃદ્ધ જયશ્રીબેનની 3 કલાકની સર્જરી બાદ તેમની તબિયત સારી હોવાનું અને તેમને નવું જીવન મળ્યું હોય એમ ડોક્ટરોએ જણાવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પેરાથાઇરોઇડેકટોમીની સર્જરી બીજી જ વાર થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

ગળાના ભાગે ઉપસી આવેલી ગાંઠ કાઢી નખાઈ

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આવા કેસમાં દર્દી ચાલી ન શકે, અશક્ત થઈ જાય અને બેઠું જીવન જીવવા મજબુર બની જાય છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી પાછળ લગભગ લાખોનો ખર્ચ થઈ જાય છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં એક વિશ્વાસ સાથે આવેલા આ દર્દીની પેરાથાઇરોડેકટોમી નામની સર્જરી કરી ગળાના ભાગે ઉપસી આવેલી ગાંઠ કાઢી નખાઈ છે. હાલ દર્દી તબીબી પરીક્ષણ હેઠળ અને તંદુરસ્ત હોય એમ કહીં શકાય છે.

બીમારીને લઈ કોઈ ડોક્ટર સ્પષ્ટ કહીં શકતા ન હતા

દેવાંગ (દર્દીનો પુત્ર) એ જણાવ્યું હતું કે, માતા જયશ્રીબેન કિશોરભાઈ ત્રિવેદી 58 વર્ષના છે અને કામરેજ કોળી ભરથાણા ગામમાં પુત્રો સાથે રહે છે. બે દીકરા દેવાંગ અને ભૈવદીપની માતા જયશ્રીબેન છેલ્લા 5 વર્ષથી હાડકાની તકલીફથી અશક્ત, ચાલી ન શકાય અને બેઠું જીવન જીવવા મજબુર બન્યા હતા. પથારીવશ વૃદ્ધ માતા જયશ્રીબેન ઝાડા-પેશાબ માટે જ વોકરનો ઉપયોગ કરી શૌચલાય સુધી જતા હતા. 8-10 હોસ્પિટલમાં વારંવાર વૃદ્ધ માતાની શારીરિક તપાસ કરાઈ હતી. અનેક લેબોરેટરી રિપોર્ટ કઢાવ્યા હતા. જોકે, તેમની બીમારીને લઈ કોઈ ડોક્ટર સ્પષ્ટ કહીં શકતા ન હતા. બસ દવા આપી રવાના કરી દેતા જેથી માતા દવા આધારિત જીવન જીવતા હતા. 70-80 હજારનો ખર્ચ તો માત્ર દવા પાછળ થયો છે.

એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફર્યા કર્યા

એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના રાઉન્ડ અને લેબ ટેસ્ટના રિપોર્ટ બાદ પણ ડોક્ટર બીમારીના મૂળ સુધી પહોંચી ન શક્યા થાકીને તેઓ દોઢ વર્ષ પહેલા પિતાના મૃત્યુ બાદ માતાને સુરત લઈ આવ્યા હતા. બે મહિના પહેલા સુરતના એક ખાનગી તબીબે કરાવેલા લેબ રિપોર્ટ બાદ હાઇપરપેરાથાઇરોઇડીસમ નામની બીમારીથી માતા પીડિત હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વતન ભાવનગરના એક મિત્ર તબીબની મદદથી સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રોફેસર ડો. હાર્દિક આસ્તિકને મળવા આવ્યા હતા. સારવાર ફાઈલ અને આગળના તમામ લેબ રિપોર્ટ જોયા પછી તેમણે સિનિયર ડો. દિવ્યાંગ દવે પાસે લઈ ગયા હતા.

ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું

ડો. દિવ્યાંગ દવે એ તમામ રિપોર્ટ અને દર્દીનું ચેકઅપ કર્યા બાદ ઓપરેશન કરી આ ગાંઠ કાઢી એ જ એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. જેને પેરાથાઇરોઇડેકટોમી નામની સર્જરી કહેવાય છે. બસ પરિવાર સહમત થતાની સાથે જ જયશ્રીબેનને દાખલ કરી10 દિવસ સુધી તબીબોની નજર હેઠળ હોસ્પિટલમાં રખાયા હતા. ત્યારબાદ 6 સપ્ટેમ્બર શુક્રવારે માતાને ઓપરેશનમાં લેવાયા હતા. લગભગ ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. ત્યારબાદ માતાને વોર્ડમાં ખસેડી દેવાયા હતા. હાલ માતાની તબિયત ખૂબ જ સારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here