બારડોલી : અંબાજી દોડતા ગયેલા યુવાનને લેવા ગયેલી બસને અકસ્માત નડતાં ત્રણના મોત

0
20

બારડોલી: અંબાજીના દર્શનાર્થે દોડતા નીકળેલા પિસાદના યુવાનને લેવા 15થી વધુ ગામના યુવાનો ટ્રાવેલ્સ ભાડે કરી નીકળ્યા હતાં. તેઓ દર્શન કરી સોમવારે પરત ફરી રહ્યા હતાં ત્યારે આણંદના ચીખોદરા એક્સપ્રેસ પર તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં 3ના મોત થયા હતા. મંગળવારે ત્રણે મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી.

લકઝરી બસ ભાડે કરી બે દિવસ પહેલા પીસાદથી નીકળ્યા હતાં

પલસાણા તાલુકાના પીસાદ ગામનો યુવાન વ્રજેશ પટેલ નવરાત્રિના પહેલા નોરતે દોડતો અંબાજી દર્શનાર્થે નીકળ્યા હતો. ગામમાં યુવાનો દોડતો નીકળેલા વ્રજેશ પટેલને લેવા અને માતાજીનાં દર્શન પણ કરી આવવાનું નક્કી કર્યું હતું. જેમાં યુવાનોએ બારડોલીની પંડ્યા ટ્રાવેલ્સની 20 સીટની લકઝરી બસ ભાડે કરી બે દિવસ પહેલા પીસાદથી નીકળ્યા હતાં. અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતાં ત્યારે સોમવારની મોડી રાત્રે આણંદના ચીખોદરાં એક્સપ્રેસ હાઈવે પર બસ બગડતા રિપેરિંગ કરતાં હતાં. જેથી આઠ દશ યુવાનો બસમાંથી નીચે ઉતરી બસની આગળના ભાગ પાસેના રસ્તા પર બેઠા હતાં. ત્યારે પાછળથી પૂરઝડેપ હંકારી આવેલ આયશરના ચાલક બસની પાછળ અથડાવતાં બસ આગળ ધકેલાઈ જતાં બેઠેલા યુવાનોને અડફેટમાં લીધા હતાં.

ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું

અકસ્માતને કારણે દીપ રબારી, સુરેશભાઈ પટેલ અને અજીત ટેલર ગંભીર ઈજા થવાથી ત્રણેના સ્થળ પર જ મોત નીપજ્યા હતાં. જ્યારે આઠ યુવાનોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.પિસાદ ગામમાં ત્રણના અકસ્માતમાં મોતની જાણ થતાં જ ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ગામના આગેવાનો રાત્રે જ સ્થળ પર દોડી ગયા હતાં. મગંળવારે બપોર બાદ ત્રણેના મૃતદેહ ગામમાં લાવ્યા હતાં. સાંજે ત્રણેની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી.

લગ્નને માંડ 7 માસ થયા હતા

અંબાજી માતાના દર્શને નીકળેલા દીપ રબારીનું અકસ્માતમાં મોત થયું હતું.દીપના લગ્ન 1 લી માર્ચે થયા હતાં. લગ્નના માંડ સાત માસ થયા હતાં. બીજી તરફ દર્શન માટે નાનો ભાઈ રાજ રબારી અને કાકા ભાઈ પણ સાથે હતા.

રિટાયર્ડ જીવન ગુજારતા હતા

અકસ્માતમાં મોતને ભેટેલા સુરેશભાઈ પટેલ રિટાયર્ડ જીવન ગુજારતાં હતાં. મઢી સુગરમાં નોકરી કરી હતી. તેઓ પણ દર્શન કરવા તૈયાર થયા હતાં, પરંતુ પરત ઘરે આવી ન શકતાં પરિવાર માટે દુખદ સહન કરવું મુશ્કેલ બન્યું છે.

બે સંતાન પિતા વિહોણા બન્યા

અકસ્મતામાં મોતને ભેટેલા અજીતભાઈ ટેલર છેલ્લા 18 વર્ષથી બારડોલીમાં કારબ્રોકરનું કામ કરતા હતાં. સંતાનમાં બે પુત્રો છે. અજીતભાઈ ટેલરના પિતા નરેશભાઈનું પણ અગાઉ અકસ્માતમાં જ મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here