રાજકોટમાં નકલી ચલણી નોટો સાથે ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 23 લાખથી વધુની નકલી ચલણી નોટ સાથે ત્રણ ઈસમોની કરી હતી. ફોટોશોપની મદદથી નકલી નોટ છાપી હોવાનો આરોપીઓએ ખુલાસો કર્યો હતો. રાજકોટ પોલીસે 23 લાખ 44 હજાર 500 રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત કરી હતી. મોરબી રોડ પર મકાનમાંથી અને સાધુ વાસવાની રોડ પર આવેલી નિરા ડેરી પર પોલીસે દરોડા પાડ્યા હતા. 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થતાં આરોપીઓ 100 અને 500 ના દરની નોટ માર્કેટમાં ઘૂસાડવાના પ્રયાસમાં હતા પરંતુ તે અગાઉ જ તેઓ પકડાઇ ગયા હતા.
2000 ના દરની નોટ બંધ થતા નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આરોપી નિકુંજ અમરશી ભાલોડીયા, વિશાલ બાબુ ગઢીયા અને વિશાલ વસંત બુદ્ધદેવની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 100ના દરની 335 અને 500ના દરની 4622 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. આરોપીઓ નકલી નોટ કલર પ્રિન્ટર પર છાપતા અને રિઝર્વ બેંકમાંથી આવતા બંડલની જેમ 1થી 100 સિરિયલ નંબરમાં નકલી નોટ છાપતા હતા. નિકુંજ ભાલોડિયા નામનો વ્યક્તિ સ્કેનર અને ફોટોશોપની મદદથી નકલી ચલણી નોટ બનાવતો હતો. આરોપી વિશાલ બાબુ ગઢીયા અને વિશાલ વસંત બુદ્ધદેવ પાસેથી પણ નકલી નોટ પોલીસે જપ્ત કરી હતી.