ઊંઝામાં વિસનગર રોડ પર આવેલી માણેકવાડી સામેની દુકાનો અને વખારોમાં ચોરીના ઇરાદે ઘૂસેલા 3 શખ્સોને સ્થાનિક લોકોએ પકડી દોરડાથી બાંધી બરાબર મેથીપાક આપી છોડી મુક્યા હતા. જોકે, પકડેલા ચોરોને પોલીસને નહીં સોંપાતાં અનેક તર્ક-વિતર્ક ઊઠ્યા હતા.
બુધવારે રાત્રે 10-30થી 11 વાગ્યાના ગાળામાં વિસનગર રોડ પર માણેકવાડી સામેની બે દુકાનો (વખારો)માં ૩ શખ્સો ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા. એક દુકાનનું બારણું તોડ્યું અને બીજી દુકાનના દરવાજાનો નકૂચો ખોલી જીરુંની ચોરીનો પ્રયાસ કરતાં દુકાનો ઉપર સૂતા મજૂરો અવાજ થતાં જાગી ગયા હતા અને દેકારો મચી જતાં ભેગા થઇ ગયેલા મજૂરોએ ચોરોને પડકારતાં ભાગવામાં નિષ્ફળ ૩ શખ્સોને પકડી દોરડાથી બાંધી મેથીપાક ચખાડ્યો હતો. જેમને ગુરુવારે સવારે 9 વાગે પોલીસ ફરિયાદ કર્યા વિના જ છોડી મુક્યા હતા. આ બાબતે પીઆઈ ખરાડેને પૂછતાં તેમણે આવી કોઇ ઘટના પોલીસ દફતરે નોંધાઇ ન હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિકોનું કહેવું છે કે, આજ જગ્યાએ એક વર્ષ પહેલાં પણ દુકાનોના દરવાજા તૂટ્યા હતા. પકડાયેલ શખ્સો મલાઈ તળાવ પાંજરાપોળ સામેના વિસ્તારમાં રહેતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.