Home રાજકોટ રાજકોટ : કોરોનાના એક પોઝિટીવ કેસ બાદ હજુ ત્રણ શંકાસ્પદ, દર્દી સાથે...

રાજકોટ : કોરોનાના એક પોઝિટીવ કેસ બાદ હજુ ત્રણ શંકાસ્પદ, દર્દી સાથે સંપર્કમાં આવેલા 1 હજારથી વધુને ક્વોરન્ટાઈનમાં મુકાશે

0
11

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવી છે. હજુ ત્રણ દર્દી શંકાસ્પદ છે અને યુવકના પરિવારમાંથી પણ 4 વ્યક્તિ શંકાસ્પદ હોવાથી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આથી આરોગ્ય વિભાગમાં પણ ઉચાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 8મી માર્ચે રાજકોટ આવ્યા બાદ તેને એક સપ્તાહ સુધી શરદી હતી. આ દરમિયાનમાં યુવક દેવપરામાં આવેલા ખાનગી ડોક્ટર પાસે દવા લેવા પહોંચ્યો હતો. તે દવાથી તબિયતમાં કોઈ સુધારો ન થતાં અન્ય બે દવાખાને પણ દવા લીધી હતી. છતાં પણ તબિયતમાં સુધારો ન થતાં આખરે 16મી માર્ચે આ યુવક દેવપરા વિસ્તારમાં જ આવેલી લોટસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતાં અને તેની હિસ્ટ્રી જાણતા તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. 11 દિવસમાં યુવાનના સંપર્કમાં આવેલા 1 હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

2 પોઝિટીવ કેસ પછી રાજ્યના દરેક શહેરના મેડિકલ ઓફિસરોને એલર્ટ કરી દેવામાં આવ્યા

17 માર્ચે યુવક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવારમાં સિવિલના તબીબોએ તેને કંઈ ન હોવાનું કહી રજા આપી દીધી હતી. જો કે ખાનગી હોસ્પિટલના તબીબે સિવિલ સર્જનને યુવક શંકાસ્પદ હોવાની જાણ કરતાં તાત્કાલિક તેને પાછો બોલાવાયો હતો અને રાત્રે દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને જામનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. 10 દિવસના સમયગાળામાં યુવક ઉમરાહ કરીને આવ્યો હોવાથી સંખ્યાબંધ લોકો તેને મળ્યા હતા. આ પછી તેને કોરોના ડિટેક્ટ થયો હોવાને કારણે હવે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. 1 મીટરના અંતરમાં તેને મળેલા તમામ લોકોને હવે શોધવામાં આવી રહ્યા છે અને તમામનું તબીબી પરિક્ષણ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવા કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. 2 પોઝિટીવ કેસ પછી રાજ્યના દરેક શહેરના મેડિકલ ઓફિસરોને એલર્ટ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી

શહેરમાં કોરોનાના ભય વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી પકડાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યો તે યુવક અને તેના પિતા મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ અહીંના ડોક્ટરે તમને કંઈ નથી કહી તગેડી મૂક્યા હતા. આ યુવક ચાર ખાનગી ડોક્ટર પાસે પણ સારવાર માટે ગયો હતો. પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં ગત મંગળવારે સિવિલમાં ગયો હતો. યુવકે શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને દવા લખી આપી હતી. જો કે, એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે આ દર્દીને સિવિલમાં જવાની સલાહ આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને યુવક અને તેનો પરિવાર મક્કા મદીનાથી આવ્યો હોવાની જાણ કરી હતી. યુવક અને તેના પિતા સિવિલ હોસ્પિટલમાં રવાના થયા પછી આરોગ્ય વિભાગમાંથી ફોન આવતાં બંનેને સિવિલના ડોક્ટરોએ ફોન કરીને પાછા બોલાવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ 9 સભ્યોનો પરિવાર મક્કા ગયો હતો અને 8 માર્ચે પરત ફર્યો હતો.

ભાવનગરમાંથી કોરોનાના શંકાસ્પદ પાંચેય દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ સામે તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. જે પાંચ કેસ કોરોના વાયરસના શંકાસ્પદ જણાતા તેના રિપોર્ટ માટે જામનગર મોકલાવાયા તે પાંચેય શંકાસ્પદ દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય સહિત સમગ્ર વહીવટી તંત્ર તેમજ પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતું કે કુલ 4 વ્યક્તિઓ તબિયત સારી હોય વિદેશથી ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં મોકલી દેવાયા છે. સરકારની સુચના અનુસાર 14 દિવસ માટે હાલ ક્વોરોન્ટાઈનની તેઓને સુચના આપવામા આવેલ છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમા કુલ 36 વ્યક્તિઓ વિદેશ મુસાફરી કરી પરત ફરેલ છે. જે પૈકીના 24 વ્યક્તિઓને 14 દિવસ માટે ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે અને તેઓની તબિયત તંદુરસ્ત છે.

કોડીનારમાં કામદારોનું બોડી ટેમ્પરેચર મપાયું

ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળા અને હોમિયોપેથિક ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું છે. કોડીનાર બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા દેવળી ગામે આયોજન કરાયું છે. હજારો લોકોએ ઉકાળાનો લાભ લીધો છે. તેમજ કોડીનારમાં આકાર પામી રહેલું સીમ્બર પોર્ટ પર બોડી ટેમ્પરેચર માપવાનું ચેકિંગ હાથ ધરાયું છે. ચેકિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. સૌરાષ્ટ્રનું પ્રખ્યાત તુલસીશ્યામ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે.

Live Scores Powered by Cn24news